- મતગણતરીમાં કોરોનાની આચારસંહિતાનું પાલન થશેઃ કલેક્ટર
- પુરતો પોલીસ બંદોબસ્ત અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા ગોઠવાશે
- તમામ સાધનોનું સેનિટાઈઝેશન કરાશે
- મતગણતરી સાથે સંકળાયેલા કર્મચારીઓને માસ્ક અપાશે
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાનારી ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ ખાતે યોજાશે, તેમ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું છે. ચૂંટણી અંગેની કામગીરીની સમીક્ષા બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી સાગલેએ જણાવ્યું હતું કે, મતગણતરી દરમિયાન કોરોના મહામારીની તમામ આચારસંહિતાનું પાલન કરવામાં આવશે. જેમાં મતગણતરી કેન્દ્રો ખાતે ફરજ બજાવનાર કર્મચારીઓનું ટેસ્ટીંગ, માસ્ક વિતરણ તથા તમામે તમામ સાધનોનું સેનેટાઈઝેશન કરવામાં આવશે.
તમામ સ્ટેજનું માઈક્રોપ્લાનિંગ કરાશે
મતગણતરીના કાર્યની અગત્યતા જણાવી સાગલેએ વધુમાં જણાવ્યું હતું કે, મતગણતરીના તમામ સ્ટેજનું માઇક્રોપ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, પુરતો પોલીસ બંદોબસ્ત તથા ફાયરબ્રિગેડ જેવી વ્યવસ્થા પણ તૈનાત રખાશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરા તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.