અમદાવાદ: શહેરના ઓઢવ જીઆઇડીસીમાં અગરબત્તી બનાવતાં વેપારી સંદિપ પટેલની ફેક્ટરી પર આવેલા નકલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. વિજિલન્સ અધિકારી તરીકે ઓળખ આપી અને કોમન NOC આપવાના બહાને રૂ. 3500 પડાવી છેતરપિંડી કરનાર શખ્સની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. અમિત આચાર્ય નામના આરોપીની પોલીસે અલગ અલગ 6 બોગસ દસ્તાવેજો સાથે ઝડપી પાડ્યો છે.
ફરિયાદીની ફેક્ટરી પર આરોપી એ.કે પટેલના નામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વિજિલન્સ અધિકારી તરીકે ઓળખ આપી એક શખ્સ આવ્યો હતો. તેણે અલગ અલગ સર્ટિફિકેટ અને લાયસન્સ માગતા બધા ડોક્યુમેન્ટ બતાવ્યાં હતાં. બાદમાં ફાયર સેફટી અને ગુમાસ્તાધારા વગેરેનું એક સર્ટીફિકેટ હોવું જોઈએ અને તે અપાવીશ જો આ સર્ટિફિકેટ મારી પાસેથી નહીં મેળવો તો ફેકટરી સીલ કરાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી. જેથી શંકા જતાં ફરિયાદીએ ગાંધીનગર સચિવાલયમાં તપાસ કરી હતી જ્યાં આવો કોઈ શખ્સ ન હોવાની માહિતી બહાર આવી હતી. જેથી તેને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો છે.