- સ્ટેન્ડિંગ મિટિંગમાં કોરોનાની ચર્ચા
- કોરોનાના એક જ દિવસમાં 16 કેસ આવતાં તંત્ર સ્તબ્ધ
- ઠંડીમાં કોરોના વકરે તેવી દહેશત
અમદાવાદ: શહેરોમાં કોરોના (Coronavirus)એ મારેલા ફૂંફાડાથી મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ ઊંઘતા ઝડપાયા છે. એક પ્રકારે તંત્રે પણ કોરોનાના સંભવિત સંક્રમણના જોખમ સામે જાણ્યે-અજાણ્યે આંખ મીંચી દીધી હતી. પરિણામે હવે તંત્રમાં અંદરખાને ગભરાટ પ્રસરી ગયો છે. જો કે કોવિડ ગાઈડલાઈન (Corona Guidelines) માટે સત્તાધીશોને રાજ્ય સરકારના આદેશની પ્રતીક્ષા છે.
લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ન પાળ્યું, માસ્ક પહેરવાનું પણ ટાળ્યું
કોરોનાને ભૂલી ગયા હોય તે રીતે તહેવારોમાં અમદાવાદમાં ઠેરઠેર ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદીઓ એટલા બધા ઉત્સવઘેલા થયા હતા કે માસ્કને તિલાંજલિ આપી દીધી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડીને લોકો એકબીજાને છૂટથી મળતા હતા. હાથને સેનિટાઈઝ કરવાની જરૂર તે વાત તો જાણે સદંતર અભરાઈએ ચઢાવી દેવાઇ હતી, જ્યારે મ્યુનિપલ સત્તાવાળાઓ પણ વેક્સિનેશનથી કોરોના સામે જીત મેળવી લઈશું તે રીતે વર્તતા હતા અને એટલે તાજેતરમાં તંત્ર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
AMTS-BRTSમાં વેક્સિનેશન સર્ટિફિકેટની ચકાસણી નહીં!
દિવાળીના દિવસોમાં ખરીદી માટે ઊમટતા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે બાબતની તસ્દી પણ વહીવટીતંત્રએ લીધી ન હતી. AMTS-BRTS વગેરેમાં વેક્સિનેશનનાં સર્ટિફિકેટની ચકાસણી પણ કરવામાં આવતી નહોતી. ડ્રાઇવર-કંડક્ટર દ્વારા પેસેન્જર્સ પાસે માસ્ક પહેરાવાનો આગ્રહ પણ રખાતો નહોતો. ભાગ્યે જ કોઈ કંડક્ટર માસ્ક પહેર્યા વગરના પેસેન્જરને બસમાં પ્રવેશવા દેતો નહોતો.
કોર્પોરેશને કોરોનાને ગંભીરતાથી ન લીધો
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેની જાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને હતી, તેમ છતાં આંખ આડા કાન કરી લોકોને બેફામ રીતે હરવા-ફરવા દેવામાં આવ્યા હતા. ભદ્ર દરવાજા, માણેકચોક, રતનપોળ જેવા મોટા બજારોમાં કોર્પોરેશનના અધિકારીની નિષ્ક્રિય ભૂમિકાના પગલે ફરી કોરોના વધી રહ્યો હોય તેવું તબીબો માની રહ્યા છે.
એક જ દિવસમાં 16 કેસો આવતા ફફડાટ
તમામ સ્તરેથી કોરોનાના મામલે ભારે બેદરકારી રખાઇ હતી. પરિણામે ગઈકાલે રાતે 8 વાગ્યે શહેરમાં એકસાથે કોરોનાના 16 કેસ આવતાં તંત્ર પણ સ્તબ્ધ બન્યું છે. 17 સપ્ટેમ્બર બાદ શહેરમાં એક દિવસમાં નવા 16 કેસ નોંધાતાં લોકો પણ ગભરાઈ ઊઠ્યા છે. આ નવા કેસમાં જે તે કોરોના સંક્રમિત વ્યક્તિએ વેક્સિનના કોઈ ડોઝ લીધા છે કે કેમ તેમજ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી બાબતે પણ મ્યુનિસિપલ હેલ્થ વિભાગ પાસે કોઇ માહિતી પણ નથી.
ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા નીકળ્યા આરોગ્ય અધિકારીઓ
આજે વહેલી સવારથી જ મળેલી મ્યુનિ. હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મિટિંગમાં વેક્સિનેશનની બાબત ચર્ચાઈ હતી, જો કે કોરોનાએ મારેલા ફૂંફાડાનો મુદ્દો ગંભીરતાથી સ્ટેંડિંગ કમિટીમાં પણ ચર્ચાયો છે. જો કે શાસક ભાજપ પક્ષ પણ કોરોનાનું સંક્રમણ શહેરમાં વધતું રોકવા માટે રાજ્ય સરકારની ગાઈડલાઈનની રાહ જોઈ રહ્યો છે. અત્યારે પણ કોરોનાના ટેસ્ટિંગ માટે અમદાવાદમાં આંગળીના વેઢે ગણાય તેટલા 3-4 ડોમ છે, જે કાર્યરત અવસ્થામાં પણ રહેલા નથી. આ ડોમની સંખ્યા વધારવી પડશે તેમજ લોકો ફરી માસ્ક પહેરતા થાય અને જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેની તકેદારી પણ તંત્રને રાખવી પડશે.
શું ગત વર્ષે દિવાળી બાદ સર્જાયેલી પરિસ્થિતિ ફરી લેશે નિર્માણ?
પશ્ચિમ ઝોનમાં એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી કોલકાતાની નોંધાઈ છે, જ્યારે નરોડાનો દર્દી નારણપુરાનો નીકળ્યો છે. ગત વર્ષે દિવાળી બાદ શહેરમાં કોરોના વકર્યો હતો અને અમદાવાદમાં કોરોનાના દર્દીને હોસ્પિટલમાં બેડ ન મળવાથી છેક ગાંધીનગર, ખેડા, કરમસદ, આણંદ, વડોદરા વગેરે શહેરોમાં દર્દીઓને ખસેડાયા હતા. ત્યારે આ વખતે પણ ઠંડી જમાવટ કરી રહી હોવાના કારણે કોરોના ન વકરે તો સારું તેવી તબીબોમાં દહેશત છે.
આ પણ વાંચો: આ વર્ષે છે લગ્ન માટે પૂરતા મુહૂર્ત, જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમીલ લાઠિયા સાથે વાતચીત
આ પણ વાંચો: Double Murder Case: ઘાટલોડિયામાં લૂંટના ઈરાદે જ વૃદ્ધ દંપતીની હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું