અમદાવાદઃ શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરની LG હોસ્પિટલમાં 12 સગર્ભાઓને કોરોના થયો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 17 લોકોને કોરોના થયો છે. જેમાં 17 માંથી 12 સગર્ભા મહિલાઓ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. આ સગર્ભાઓને SVP ખાતે સારવાર માટે ખસેડાવામાં આવી છે. આ પહેલા પણ LG હોસ્પિટલના ડોક્ટરો અને તેમનો સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે, તેના કારણે એક અઠવાડિયા સુધી આ હોસ્પિટલ બંધ પણ રાખવામાં આવી હતી. ત્યારે LG હોસ્પિટલમાં કોરોનાનો સિલસિલો ફરી શરૂ થયો છે.
શહેરમાં વધુ 271 નવા દર્દીઓ સારવાર માટે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે, જ્યારે 26 દર્દીઓના સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયા છે. જેમાં 22 પુરૂષો અને 4 મહિલા દર્દીઓ છે. આ સાથે ગ્રામ્ય વિસ્તાર સાથે જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 9216 જ્યારે કુલ મૃત્યુ આંક 602 સુધી પહોંચ્યો છે. તેમજ વધુ 107 દર્દીઓ સ્વસ્થ થઇ જતા, કુલ 3130 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તેમજ હજુ 5484 દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરમાં રેડઝોનના જમાલપુર, શાહપુર, દરિયાપુર, અસારવા, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણીનગર, સરસપુર, ગોમતીપુર સહીત લગભગ તમામ વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં દર્દીઓ નોંધાયા છે.