અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 2020-2021ના બજેટને લઇને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે, રાજ્યમાં 1.5 લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, જેને ભરવાનું કામ સરકાર કરતી નથી. રાજ્યમાં લાખો ઉમેદવારો ટેટ-ટાટ પાસ કરી નોકરીની રાહ જોઈને બેઠા છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પાસ થયા બાદ હજૂ સુધી સરકાર દ્વારા કોઈપણ જાતની ભરતી કરવામાં આવી નથી. રાજ્યમાં કોમ્પ્યુટરના શિક્ષકોની પણ ભરતી યોગ્ય રીતે કરવામાં નથી. જેથી ધોરણ 10 પછી ડ્રોપ આઉટ રેશિયામાં વધારો થયો છે.
વધુમાં મનીષ દોશીએ જણાવ્યું કે, સરકાર વર્ચ્યુઅલ ક્લાસની વાતો કરી રહી છે, જ્યારે એક્ચ્યુલ ક્લાસ જ બરોબર નથી ચાલતા. સરકારે બજેટમાં આંકડાની માયાજાળ રચી લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. સરકારી ટેબલેટ આપવામાં પણ કરોડોનું કૌભાંડ થયું છે.
કોંગ્રેસ દ્વારા આંકડાકીય માહિતી પ્રસિદ્ધ કરતાં જણાવ્યું કે, કોઠારી કમિશન પ્રમાણે GDPના પ્રમાણમાં શિક્ષણ પાછળ 6% ફાળવવા જોઈએ, પરંતુ બજેટમાં 1.75% જ ફાળવવામાં આવ્યા છે. ગત 8 વર્ષમાં GDPના પ્રમાણમાં શિક્ષણ પાછળ રાજ્ય સરકાર ખર્ચ ઘટાડી રહી છે.