- પરેશ ધાનાણી ડાંગના પ્રવાસે
- વિધાનસભા વિરોધ પક્ષનાં નેતાની આગેવાનીમાં સંમેલન યોજાયું
- પરેશ ધાનાણીએ ભાજપ ઉપર આકરાં પ્રહાર કર્યા
ડાંગ: એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં એક બાદ એક કોંગ્રેસના કદાવર નેતાઓએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. જેથી હાલ ડાંગ જિલ્લામાં કોંગ્રેસને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ છે, ત્યારે ડાંગના આહવા ખાતે સ્વરાજ આશ્રમમાં વિધાનસભાના વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીના આગેવાનીમાં ડાંગ કોંગ્રેસ સમિતીએ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો અને હોદ્દેદારોનું મનોબળ વધારવા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કર્યું હતું.
ચૂંટણી પહેલાં કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ફેરફાર
ચૂંટણીને એક સપ્તાહનો સમય બાકી છે, ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂર્વ જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરેને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને પ્રદેશના નેતા ડાંગના પ્રવાસે આવી રહ્યા છે.
વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીનો ભાજપ પર પ્રહાર
આજે સોમવારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કાર્યકરોને અને ઉમેદવારોને સંબોધતા ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને પક્ષ પલટો કરનારા કોંગ્રેસી નેતાઓને આડે હાથ લીધા હતા. ભાજપના મક્કમ અને અડીખમ નારા સામે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, 20 વર્ષથી ભાજપ શાસનમાં મોંઘવારી, બેરોજગારી વધી છે. આમ છતાં ભાજપ અડીખમની વાતો કરે છે. કોંગ્રેસના ખમતીધર નેતાઓને ભાજપ લોભ લાલચ આપીને પોતાના પક્ષમાં લઈ લીધા છે, પરંતુ આવનારા સમયમાં ડાંગ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષ પલટુ નેતાઓને જબડાતોડ જવાબ આપશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે.
સુપડું હોય તો સાફ થાયઃ પરેશ ધાનાણી
કેબિનેટ પ્રધાન ગણપત વસાવની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા કોંગ્રેસના તમામ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ગણપત વસાવા દ્વારા વારંવાર એવું જણાવામાં આવી રહ્યું છે કે, ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયાં છે. મીડિયાએ પરેશ ધાનાણીને આ સવાલ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સુપડું હોય તો સાફ થાય. ડાંગ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસની ટકાવી રાખશે.