સુરત : હાલમાં જ્યાં જુઓ ત્યાં ઊંટવૈદ્ય અને ગેરકાયદેસર હોસ્પિટલ સહિત બ્લડ બેંકના અનેક કાળા ધંધા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે બારડોલી તાલુકાના કડોદથી મોરી ઉછરેલ જતા રોડ પર કોઈ અજાણ્યા લોકો દ્વારા મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
રોડ પર મળ્યો મેડિકલ વેસ્ટનો જથ્થો : બારડોલી તાલુકાના કડોદથી મોરી ઉછરેલ રોડ પર ખૂબ મોટો મેડિકલ વેસ્ટનો જથ્થો રોડ પર ફેંકી દેવાયાની ઘટનાથી પ્રકાશમાં આવી છે. કોઈ અજાણ્યા વાહનમાં ભરીને લવાયેલ ત્રણ સિમેન્ટની કોથળીના પોટલામાં અને એક પૂંઠાના બોક્સમાં ભરેલા દર્દીઓના નામ સાથેના બ્લડ સેમ્પલના બ્લડ કલેક્શન બલ્બ ફેંકી દેવાતા બારડોલી પ્રદેશમાં ભારે ચકચાર મચી હતી.
ક્યાં બન્યો બનાવ ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન તરુણભાઈ વાઘેલા અને બારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો. અનુપભાઈ વ્યાસ ભામૈયા ગામે સાંઈબાબ મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે મોરી ઉછરેલ રોડ પર કોઈ ખૂબ જ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ વિખેરાયેલો અને ફેંકાયેલો જોવા મળ્યો હતો. તેમણે તરત પોતાનું વાહન ઊભું રાખી નજીક જઈને જોતાં હજારોની સંખ્યામાં બ્લડ સેમ્પલ ભરેલી હાલતમાં બ્લડ કલેક્શન બલ્બ હતા.
આગેવાનોએ કરી ફરિયાદ : ખૂબ મોટો મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેર રોડ પર ફેંકાયેલો જોતા જ બંને આગેવાનોએ તાત્કાલિક બારડોલી ડે. કલેક્ટર અને પોલીસને જાણ કરી હતી. આ બાદ પોલીસ, બારડોલી મામલતદાર, GPCB તંત્ર અને તાલુકા હેલ્થ ઓફિસરનું તંત્ર સ્થળ પર દોડી ગયું હતું. આગેવાનોએ ફરિયાદ કરતા આખું સરકારી તંત્ર સ્થળ પર દોડી ગયું હતું.
નામ સાથેના બ્લડ સેમ્પલ : કોઈ હોસ્પિટલવાળા અથવા તો મોટી લેબ ચલાવતા એજન્સીવાળા અજાણ્યા લોકો ત્રણ મોટા કોથળા અને એક બોક્સમાં આશરે પાંચ હજારથી વધારે દર્દીઓના નામ સાથેના બ્લડ સેમ્પલ ભરેલા બ્લડ કલેક્શન બલ્બ જાહેર રોડ પર ફેંકી ગયા હતા.
કાયદેસરની કાર્યવાહી કરાઈ : આ બનાવથી બારડોલી મામલતદાર સહિત સરકારી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી. વધુમાં જરૂરી પંચનામું કરી આ ખતરનાક જણાતા મેડિકલ વેસ્ટને કબજે લઈ આ બનાવમાં જાહેર રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકી જનારા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સરકારી તંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવાની તૈયારી હાથ ધરી હતી.