- કરણી સેનાના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
- રોનકસિંહ ગોહિલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ
- મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી
અમદાવાદઃ કરણી સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ અને યુવા જનજાગૃતિ પાર્ટીના અધ્યક્ષ સામે છેડતીની ફરિયાદ નોંધાતા કરણી સેના ફરી એકવાર ચર્ચામાં આવી છે. એક મહિલાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં કરણી સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ રોનકસિંહ ગોહિલ સામે છેડતી, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો- અમદાવાદમાં પાડોશીએ કરી યુવતીની છેડતી, પોલીસે કરી ધરપકડ
મહિલા રોનકસિંહની ઓફિસ ગઈ ત્યારે તેની સાથે અડપલાં કરવામાં આવ્યા હતા
આ અંગે મળતી માહિતી અનુસાર, મહિલા શનિવારે રાત્રે પોલીસ સ્ટેશન આવી હતી. અહીં તેમણે રોનકસિંહ ગોહિલ અને તેના બોડીગાર્ડ સામે છેડતી કરી, મારામારી અને ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો હતો. મહિલાની ફરિયાદ અનુસાર, તે અને રોનકસિંહ ગોહિલ મિત્ર હતા અને શનિવારે સવારે બંને વચ્ચે હોટેલમાં જમવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ મહિલા રોનકસિંહ ગોહિલની એસ. જી. હાઈવે પર આવેલી ઓફિસ પહોંચી હતી. અહીં તે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રોનકસિંહ ગોહિલ અને તેના બોડીગાર્ડે મહિલા સાથે ઝપાઝપી કરી તેની સાથે અડપલા કર્યા હતા અને ત્યારબાદ મહિલાને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો- કારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ
રોનકસિંહ ગોહિલ શારીરિક સંબંધ બાંધવા મહિલાઓને જાળમાં ફસાવે છેઃ પીડિતા
જોકે, આ મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે, રોનકસિંહ ગોહિલ અન્ય યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તેમને પોતાની જાળમાં ફસાવે છે. આ સાથે જ મહિલાએ પોતાની ફરિયાદમાં રોનકસિંહ ગોહિલ પર છેડતીનો આક્ષેપ કર્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.