અમદાવાદ: વિદેશ જવા તેમજ કંપનીમાં નોકરી માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. આવા નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. માધવપુરા પોલીસે રાકેશ નામના મુંબઈના એક એજન્ટ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સરદારનગરમાં રહેતા ધરમપાલ રામચંદ્ર દરીયાની નામનાં વ્યક્તિ સ્પેન ખાતે રહેતા પોતાના ભાઈ મનોજ દરીયાની પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) અંગે પુછપરછ કરવા આવ્યા હતા. પોલીસ કમિશ્નર કચેરીમાં પાસપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને મળ્યા હતા. તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે અથવા પોલીસ સ્ટેશનમાં જઈ અરજી કરી શકે છે. જો કે, ધરમપાલે વિદેશમાં રહેતાભાઈ મનોજનું 7 જાન્યુઆરી 2020નું PCC તેમને બતાવ્યું હતું.
પ્રાથમિક દ્રષ્ટિએ સર્ટિફિકેટ કમિશ્નર ઓફિસનું ન હોવાની હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને શંકા ગઈ હતી. જેથી તેમણે પોતાના ઉપરી અધિકારીને આ અંગે જાણ કરી હતી. ખરાઈ કરતા તે સર્ટિફિકેટ નકલી હોવાનું જણાઈ આવતા સ્પેનમાં રહેતા તેમના ભાઈએ સર્ટિફિકેટ રાકેશ નામના એજન્ટે બનાવી આપ્યું હતું. રાકેશે પોતાના મુંબઈ ખાતેના બેન્ક એકાઉન્ટમાં પૈસા મંગાવ્યા હતા. જેને પગલે ઉપરી અધિકારીએ આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી કરી રાકેશ નામના એજન્ટની શોધખોળ શરૂ કરી છે.