- અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી
- માત્ર અઢી ઇંચ વરસાદમાં શહેરમાં જળબંબાકાર સ્થિતિ
- મનપાના પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી
અમદાવાદ: માત્ર અઢી ઇંચ વરસાદમાં શહેરમાં જળબંબાકાર સ્થિતિએ મનપાના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી હતી. મહત્વનું છે કે, અમદાવાદમાં મંગળવારના રોજ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મધ્ય ઝોનના ચકુડિયા વિસ્તારમાં પડ્યો હતો. માત્ર અઢી ઇંચ વરસાદમાં જ શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. ગત વર્ષે જ અમદાવાદ મહાનગરપાલિકાએ હાટકેશ્વર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવા પંપ ઇન્સ્ટોલ કર્યા હતા. પરંતુ માત્ર એક વર્ષમાં જ મ.ન.પા.ની તમામ કામગીરીના દાવાઓ પોકળ સાબિત થઈ ગયા. હાટકેશ્વર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ પણ વાંચો: પ્રિમોન્સૂન કામગીરી: અમદાવાદમાં 15થી 20 હજાર વૃક્ષો ટ્રિમ કરવામાં આવશે
અમદાવાદના ઉત્તર ઝોનમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાની ફરિયાદો
અમદાવાદના ઉત્તર ઝોન વિસ્તારમાં કે જ્યાં સેજપુર બોઘા, કુબેર નગર અને સરદાર નગર જેવા વિસ્તારોમાં પણ ઠેરઠેર પાણી ભરાયા હોવાની ફરિયાદો સામે આવી હતી. સેજપુર બોઘા ગરનાળા પાસે પણ પાણી ભરાઇ જતા વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી. વરસાદ પડ્યાના કલાકો બાદ પણ પાણી નિકાલ ન થતા રાહદારીઓ અટવાયા હતા.