- શ્યામ બંગલો સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાઇ
- શ્યામ બંગલો સોસાયટીમાં અમદાવાદ કોર્પોરેશનના ચોપડે માત્ર 12 કેસ નોંધાયા છે
- વાસ્તવિકતામાં શ્યામ બંગલો સોસાયટીમાં 34 કેસ છે
અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં આઈઓસી રોડ પર શ્યામ બંગલો નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં 240 બંગલો છે. આજે સોમવારે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ સોસાયટીમાં માત્ર 12 કેસ દર્શાવવામાં આવ્યા છે.
22 વ્યક્તિઓએ ગ્રીન ક્રોસ લેબમાં ટેસ્ટ કરાવ્યા
વાસ્તવિકતામાં શ્યામ બંગલો સોસાયટીમાં 34 કેસ છે. 22 વ્યક્તિઓએ ખાનગી લેબોરેટરી ગ્રીન ક્રોસ લેબમાં ટેસ્ટ કરાવ્યા હતો, પણ ગ્રીન ક્રોસ દ્વારા 22 કેસની માહિતી કોર્પોરેશનને આપવામાં આવી નથી અને કોર્પોરેશન દ્વારા જાણી જોઈ આ આંકડા મેળવવાની કાર્યવાહી કરવામાં આવી નથી. તેવો આરોપ ચાંદખેડાના કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે.
ગ્રીન ક્રોસ દ્વારા કોર્પોરેશનમાં આંકડા આપવામાં આવ્યા નથી
ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીની સોસાયટીના રહીશોએ ગ્રીન ક્રોસ લેબમાં રિપોર્ટ કરાવ્યા હતા. જેની માહિતી લેબ વાળાએ કોર્પોરેશનને આપી નથી. સર્વે દરમિયાન સોસાયટીમાં કુલ 32થી 34 જેટલા કેસ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે કોર્પોરેશનમાં માત્ર 12 કેસ જ નોંધાયા છે. ગ્રીન ક્રોસ દ્વારા કોર્પોરેશનમાં આંકડા આપવામાં આવ્યા નથી. તેમને નોટિસ આપવા પણ કોર્પોરેટરે માગણી કરી છે.
કોર્પોરેશન તંત્ર દ્વારા 22 કેસ છુપાવવામાં આવી રહ્યા છે
રવિવારે કોર્પોરેશન દ્વારા આખી સોસાયટીમાં ડોર ટુ ડોર સર્વે કર્યો હતો. છતાં ખાનગી લેબોરેટરીમાં પોઝિટિવ આવેલા કેસની ગણતરી કરવામાં આવી નથી. કોર્પોરેશન તંત્ર દ્વારા 22 કેસ છુપાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ગંભીર બેદરકારી છતાં કોર્પોરેશન દ્વારા ગ્રીન ક્રોસને નોટિસ આપવાની કે માહિતી મેળવવાની તસ્દી લેવામાં આવી નથી.
ખાનગી લેબના સંચાલકો વિરુદ્ધ પગલાં લેવા માંગણી
મહત્વનું છે કે, કોર્પોરેશન દ્વારા ખાનગી લેબોરેટરીના કોરોના પોઝિટિવ કેસની માહિતી એકત્ર કરવામાં આવતી નથી. આ રીતે કેસ છુપાવવામાં આવી રહ્યાં છે. દરેક ખાનગી લેબોરેટરીના નામ સાથે દૈનિક રીતે નોંધાતા કેસની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર જાહેર કરવામાં આવે તેવી કોર્પોરેટરે માંગણી કરી છે. આ રીતે આંકડા છુપાવનારા અધિકારી અને ખાનગી લેબોરેટરીના સંચાલકો સામે પગલા લેવા માટે કમિશનરને રજૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો - અધિકારીઓ આંકડાઓ છુપાવવા અંગેના સવાલ બાદ છટકબારી શોધી રહ્યા છે : કોંગ્રેસ
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા અને સરકારનું તંત્ર કોરોનાના આંકડ છુપાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.