અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડાના જગતપુર ગોદરેજ ગાર્ડન સિટીમાં ગેરકાયદેસર રીતે બોગસ કોલસેન્ટર ચાલતું હોવાની પોલીસને માહિતી મળતા જ દરોડા પાડવામાં આવ્યા હતાં, જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના લોકોને કોલ કરી લોન આપવાનું કહી ઠગાઇ કરતી હતી. આ ગેંગેની પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ચાંદખેડા વિસ્તારમાં આવેલા જગતપુર ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ઈડન બિલ્ડિંગમાં ચાલી રહેલા કોલ સેન્ટર પર સાઇબર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. પોલીસે રાજ રાઠોડ, અનુરાગ કુશહવા, અજીત સિંહ, રાજપૂત અને માલિક સૌરભ શર્માની ધરપકડ કરી છે. અમેરિકન નાગરિકને કોલ કરીને લોન આપવાની લાલચ આપી ઠગાઈ આચરતા આખી ગેંગની હાલ પોલીસે ધરપકડ કરી છે, ત્યારે હવે આરોપીઓ કોની પાસે ડેટા મેળવતા હતા, પ્રોસેસ કરતા હતા અને આ કોલ સેન્ટરમાં કોણ કોણ સામેલ છે, તેની સાઇબર ક્રાઇમ હાલ તપાસ હાથ ધરી છે.
જગતપુર ખાતે આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં આરોપીઓ અમેરિકાના નાગરિકોને લોન આપવાના બહાને પેયડે પ્રોસેસથી કોલ સેન્ટર ચલાવતા હતા. અમેરિકાના નાગરિકને કોલ કરી યુએસએ કેસ સર્વિસ લોન સેન્ટરના નામની લોન આપવાની બનાવટી કંપની બનાવી લોન આપવાની વાત કરતાં હતાં. આરોપીઓ અમેરિકાના નાગરિકોને જણાવતા હતા કે, તમારા ખાતામાં લોનના પૈસા ડિપોઝિટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી success થતું નથી. જેથી અમારી કંપની વચ્ચે મ્યુચ્યુઅલ ટ્રાન્જેક્શન કરવાનું રહેશે, જે માટે 20થી 50 પોઇન્ટ વધી જશે. આ ભોગ બનનારના ખાતામાં બોગસ 300થી 900 ડોલર ચેક જમા કરાવી સાત દિવસમાં ક્લિયર થઈ જશે, એમ કહી વેરિફિકેશનના બહાને નાણાં મેળવી લેતા હતા.
જો કે, હાલ સાયબર ક્રાઇમે ચારેય આરોપીઓની ધરપકડ કરી તપાસનો ધમધમાટ વધાર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઇલ, લેપટોપ, રાઉટર, સ્ક્રિપ્ટ સહિતનો અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. સૌરભ લીડ મેળવી આપતો હતો, લોન આપવાની કંપની બનાવી હતી અને અમેરિકન નાગરિકોને 8*8 virtual Office એપ્લિકેશનથી બલ્ક મેસેજ કરતા હતા. આમ જે લોકો લોન લેવા ઇચ્છતા હોય તેમને અમેરિકાના નંબરથી કોલ કરતા હતા, ત્યારબાદ જણાવતા હતા કે અમને ટ્રાન્ઝેક્શન ફી આપવાની રહેશે,જ્યાર બાદ ગિફ્ટ કાર્ડનો 16 અંકનો નંબર મેળવી લેતા અને આ નાણાં અજાણી વ્યક્તિ દ્વારા કન્વર્ટ કરાવી લેતા હતાં.