- 11 ફેબ્રુઆરીનાં રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ
- ભાજપ દ્વારા અમદાવાદ ખાતે યોજયો સમર્પણ સંકલ્પ કાર્યક્રમ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં તમામ 192 ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
અમદાવાદ : 11 ફેબ્રુઆરીનાં રોજ જનસંઘના પાયાનાં પથ્થર એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં 'સમર્પણ સંકલ્પ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યનાં ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ભાજપનાં 192 ઉમેદવારો અને ભાજપનાં આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાને સંદેશો પાઠવ્યો હતો
આ વિશિષ્ટ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપ માટે એક સંદેશો મોકલી આપ્યો હતો. જેને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વાંચી સંભળાવ્યો હતો. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરોને પ્રજા તથા પાર્ટીને સમર્પિત રહેવાના સમર્પણ સંકલ્પના શપથ લેવડાવ્યા હતા. આ સંકલ્પ લેવા માટે ભાજપના અન્ય 5 મહનાગરપાલિકાનાં ઉમેદવારો પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
ભાજપે કોઈ ધર્મને વોટબેંક બનાવી નથી: મુખ્ય પ્રધાન રૂપાણી
આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ કોઈ એક પરિવારની પાર્ટી નથી, તે કાર્યકરોની પાર્ટી છે. અહીં બુથ ઇન્ચાર્જ પણ ભાજપનો રાષ્ટ્રીય પ્રમુખ બની શકે છે. જે સમયે દુનિયા મૂડીવાદ અને સમાજવાદની વાત કરતી હતી. ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે વિશ્વ સમક્ષ 'માનવ એકાત્મવાદ'નું સૂત્ર આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મહત્વનો ફાળો છે. કોંગ્રેસે જ્યારે કટોકટી લાદીને લોકશાહીની હત્યા કરી હતી, ત્યારે ભાજપે લોકશાહીને જીવંત રાખી છે. 25 વર્ષથી ગુજરાતની જનતા ભાજપના પડખે ઊભી રહી છે અને તે આગળ પણ ભાજપનાં પડખે ઉભી રહેશે. ભાજપ વોટબેંકને લીધે નહીં, પરંતુ તેના વિકાસ કાર્યોને લીધે ચૂંટાઈ આવે છે.
ભાજપના ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કેમ્પઈનનો પ્રારંભ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ અને અન્ય ભાજપના આગેવાનોના હસ્તે ડિજિટલ LED ધરાવતા 6 મહાનગરપાલિકાનાં 6 પ્રચાર રથોને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સાથે જ ભાજપે પોતાનો ચૂંટણી પ્રચાર વિધિવત રીતે શરૂ કર્યો હતો.