- પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો
- મતદાન વિના જ અનેક બેઠકોમાં ભાજપની જીત
- કડી અને ઉના પાલિકામાં ભગવો
અમદાવાદ: ઇન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસનો સૂર્ય તપતો હતો. તેમ આજે નરેન્દ્ર મોદીના સમયમાં ભાજપનો સૂર્ય તપી રહ્યો છે. દેશમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, ભારતીય જનતા પાર્ટીની કદાવર ઈમેજ સામે તમામ પાર્ટીઓ એક થાય તો પણ વામણી પૂરવાર થાય. ગુજરાતમાં ભાજપના 219 ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડયા વગર જ જીત મેળવી છે.
નગરપાલિકામાં 85 બેઠકો પર ભાજપ બિનહરિફ
નગરપાલિકામાં ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપના 72 ઉમેદવારો બિનહરિફ વિજયી બન્યા હતા. જ્યારે અગાઉ ભાજપ સિવાય કોઈ ઉમેદવારએ ફોર્મ ન ભર્યું હોય અને ફોર્મ રદ થવાથી સીધા જ ભાજપના 13 ઉમેદવારો વિજયી થયા હતા, એટલે કે નગરપાલિકામાં ભાજપના કુલ 85 ઉમેદવાર બિનહરીફ થયા છે. તેની પાછળનું મુખ્ય કારણ કોંગ્રેસની નબળી કામગીરી છે.
કડીની 36માંથી 26 બેઠકો બિનહરિફ, ઉનાની 36માંથી 21 બેઠકો બિનહરિફ
મહેસાણામાં કડી નગરપાલિકામાં કુલ 36 બેઠકમાંથી 26 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. ગીર-સોમનાથની ઉના નગરપાલિકામાં પણ 26 માંથી 21 બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી થયું છે,એટલે કે ચૂંટણી લડયા વગર જ ભાજપ આ નગરપાલિકાઓ જીતી ચૂકયું છે.
જિલ્લા પંચાયતની 24 બેઠકો પર ભાજપ બિનહરિફ
જિલ્લાવાર જોઈએ તો વલસાડ-01, સુરત-02, ભરૂચ-01, પંચમહાલ-05, અમદાવાદ-03, મહેસાણા-01, દેવભૂમિ દ્વારકા -01, જુનાગઢ - 01, બોટાદ -07, સુરેન્દ્રનગર -02 બેઠકો પર ભાજપ બિનહરિફ રહ્યું હતું.
તાલુકા પંચાયતની 110 બેઠક પર ભાજપ બિનહરિફ
તાલુકા પંચાયતોમાં છેલ્લા દીવસે 84 બેઠકો પર ફોર્મ પરત ખેંચાતા ભાજપ વિજયી થયું છે. જ્યારે અગાઉ સામે ઉમેદવારી ન નોધાતા અને ફોર્મ રદ્દ થતા ભાજપના કુલ 26 ઉમેદવાર બિનહરિફ થયા હતા. આમ, ભાજપના કુલ 110 ઉમેદવારો તાલુકા પંચાયતની ચૂંટણીમાં બિનહરિફ થયા છે. આ તાલુકા એકમોમાં વાપી, ઓલપાડ, ચોર્યાસી, કદી, દસક્રોઈ, માંડલ, ધોલેરા, બેચરાજી, દ્વારકા, ભુજ, ચાણસ્મા, જૂનાગઢ, ગાંધીધામ, માણસા, વિસનગર, વિજાપુરની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે.