- સી. આર. પાટીલનો કચ્છ ચૂંટણી પ્રવાસ રદ
- પાટીલ છેલ્લા બે દિવસથી દિલ્હીમાં છે
- 8 બેઠકોની ચૂંટણીના સરવેથી હાઈકમાન્ડને આવ્યો પરસેવો
અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો આજે કચ્છના અબડાસા અને નખત્રાણામાં ચૂંટણી પ્રચારના બે કાર્યક્રમ હતા. આ બંને કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ તેઓ હાલ દિલ્હીમાં છે. પાટીલ છેલ્લા બે દિવસથી દિલ્હીમાં મોવડી મંડળ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે.
પાટીલ દિલ્હીમાં ચૂંટણી પ્રચારની સ્ટ્રેટેજી પર ચર્ચા કરી રહ્યા છેઃ
અત્યારે એમ જાણવા મળી રહ્યું છે કે, ભાજપ પ્રમુખ પાટીલની દિલ્હી મુલાકાત લંબાઈ જતા કચ્છ પ્રવાસ રદ કર્યો છે. ભાજપના શિર્ષસ્થ નેતૃત્વ સાથે મુલાકાત કરી રહ્યા છે. પેટા ચૂંટણીના સંભવિત પરિણામોમાં કેટલીક બેઠકો ગુમાવવી પડે તેવી શક્યતાના તારણો મુદ્દે ચર્ચા કરવા પાટીલને દિલ્હી બોલાવ્યા છે. સૂત્રોની માહિતી છે કે, હાઈકમાન્ડે આંતરિક સરવેને ગંભીરતાથી લીધો છે. આથી સી આર પાટિલ દિલ્હીમાં ચૂંટણી પ્રચારની સ્ટ્રેટેજી અંગે ચર્ચા કરી રહ્યા છે.
પેટા ચૂંટણીની આઠેય બેઠકો જીતવાનો પાટીલનો દાવો
આ અગાઉ સી. આર. પાટિલ વિધાનસભાની 8 બેઠકોમાંથી 8 બેઠકો જીતવાનો દાવો કરી ચૂક્યા છે. બીજી તરફ અસંતોષ એ વાતનો છે કે, કોંગ્રેસના 5 ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે, તેમને ભાજપે એ જ બેઠક પર ટિકિટ આપી છે. સામે પક્ષે આ બેઠકો પર કોંગ્રેસની જીત થતી હતી. કોંગ્રેસે પણ આ 5 બેઠકો પર વધુ જોર લગાવ્યુ છે. જો કે હજી ચૂંટણી જેવું વાતાવરણ પણ જામતુ નથી. મતદારો નિરસ છે, પાટલીબદલુ નેતાઓને સબક શિખવાડવા માટે મતદારો નિરસ બન્યા છે અને બીજી તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કેટલા મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરે છે.