- 1 ફેબ્રુઆરીએ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
- મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં યોજાશે બેઠક
- 3 ફેબ્રુઆરી સુધી ચાલશે બેઠક
રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કર્યા બાદ દરેક મોટા રાજકીય પક્ષો ઉમેદવારો પસંદગી પ્રક્રિયામાં લાગ્યા છે. ભારત અને ગુજરાતમાં સૌથી મોટા રાજકિય પક્ષ ભાજપ દ્વારા પણ ઉમેદવાર પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે.
572 બેઠક માટે 7 હજાર જેટલા ફોર્મ આવ્યા
21 ફેબ્રુઆરીએ 06 મહાનગરોની 572 બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં 07 હજાર જેટલા ઉમેદવારો નોંધાયા છે. હવે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આ ફોર્મની છણાવટ કરશે. જેમાંથી સંભવિત ઉમેદવારોનું લિસ્ટ બનશે જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલાશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તેની પર ફાઇનલ સ્ટેમ્પ મારશે.
નારાજ કાર્યકરો કમલમ આવે તેવી શકયતા
આ ત્રણ દિવસ દરમિયાન જ્યારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્યનું મોવડીમંડળ બેઠક કરવાનું હોય, ત્યારે ટિકિટને લઈને અનેક કાર્યકરો રજૂઆત કરવા આવે તેવી પણ શક્યતા છે. કારણ કે, દરેક પક્ષની જેમ ભાજપમાં પણ સાંસદો અને ધારાસભ્યો પોતાના માનીતાઓને ટિકિટ આપવા માંગતા હોય તે વાત સીધી છે. તો બીજી તરફ વર્તમાન કોર્પોરેટરોમાંથી પણ મોટાભાગના કોર્પોરેટરોએ ફરી ટિકિટની માગણી કરી છે.