- ગુજરાતમાં ભાજપને કદી ન મળી હોય તેવી જીત : વિજય રૂપાણી
- કોંગ્રેસને લોકોએ વિરોધપક્ષ તરીકે પણ સ્વીકાર્યું નહીં
- નરેન્દ્રમોદી અને અમિત શાહના ગુજરાતનો વિજય
અમદાવાદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 6 મહાનગરપાલિકામાં ભાજપને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. ભૂતકાળમાં ન મળેલા હોય તેટલા વોટથી ભાજપ વિજયી થયું છે. લોકોએ ભાજપને જીતાડીને ભાજપ પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે. કોંગ્રેસના બધા જ દિગ્ગજોનો કારમો પરાજય થયો છે. કોંગ્રેસને વિપક્ષ તરીકે પણ સ્વીકારવા લોકો તૈયાર નથી.
નરેન્દ્રમોદી અને અમિત શાહના ગુજરાતનો વિજય
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વિજય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાતનો વિજય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો વિજય છે. ભાજપના લાખો કાર્યકર્તાઓની મહેનતનો વિજય છે. ભારતીય જનતા પાર્ટી નમ્રતાપૂર્વક આ વિજયને વધાવે છે. આ ભવ્ય વિજયથી ભાજપની જવાબદારીઓ વધી છે અને આ જવાબદારીઓ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરાશે.
તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાંએ ભાજપનો ભવ્ય વિજય થશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રજાના સ્વપ્ન અને આકાંક્ષાઓ, ભારતીય જનતા પાર્ટી પર મૂકેલા વિશ્વાસને એળે જવા દેવામાં આવશે નહિ. શહેરોને વધુ આધુનિક બનાવવામાં આવશે. આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે.
AAP અને AIMIM વિપક્ષનું સ્થાન લઈ શકે તેમ નથી
સુરતમાં આમ આદમી પાર્ટીએ 20થી વધુ સીટો જીતી છે. જ્યારે અમદાવાદમાં અસુદ્દીન ઓવૈશીના પક્ષે પણ ખાતુ ખોલાવી દીધું છે. તે મુદ્દે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, આ બંને પક્ષો વિપક્ષનું સ્થાન લઈ શકે તેમ નથી. પરંતુ તેમની આ જીત કોંગ્રેસના ગઢમાં થઇ છે. તેનું નુકસાન કોંગ્રેસને થયું છે, ભાજપના ગઢ અકબંધ છે.