- ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી
- નીતિન પટેલના સપના ફરી તૂટ્યા
- વિજય રૂપાણીએ હસતા મોઢે લીધી વિદાય
અમદાવાદ- રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. મુખ્યપ્રધાનની રેસમાં સૌથી આગળ નામ રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું હતું. મોટાભાગના લોકો નીતિન પટેલને જ મુખ્યપ્રધાન પદના પ્રબળ દાવેદાર માનતા હતા. તેમની લાંબી કારકિર્દી, નાયબ મુખ્યપ્રધાનપદનો અનુભવ, નાણા ખાતું અને આરોગ્ય ખાતુ જેવા મહત્વના ખાતા પણ તેમની પાસે હતા. જ્યારે આનંદી પટેલની સરકારની વિદાય થઈ ત્યારે પણ નીતિન પટેલ જ મુખ્યપ્રધાન બનશે તેવુ સૌ કોઈ વિચારી રહ્યા હતા, પરંતુ તે વખતે પણ નીતિન પટેલનું સપનું સાકાર થયું નહીં અને આ વખતે પણ તે જ ઘટના ફરી ઘટી છે.
વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચેનો ગજગ્રાહ
પાટીદારો દ્વારા સરકાર પર સતત પાટીદાર મુખ્યપ્રધાન હોય તે વાતને લઈને દબાણ બનાવવામાં આવ્યું હતું. આખરે વિજય રૂપાણીના મુખ્યપ્રધાનના પદ પરથી અચાનક રાજીનામાથી તે વાત નક્કી હતી કે, પાટીદાર જ મુખ્યપ્રધાન બનશે. પરંતુ નીતિન પટેલ જેમનું પાટીદાર જ્ઞાતિમાં મોટુ વર્ચસ્વ છે. તેમ છતાંય તેમનું નામ નહીં આવવાથી કમલમ ખાતે ધારાસભ્યોની બેઠકમાં જ્યારે ભુપેન્દ્ર પટેલના નામની સર્વાનુમતે પસંદગી કરાઈ ત્યારે તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેમના ચહેરા પર અવગણનાનો ભાવ છૂપો રહી શક્યો નહોતો. મહેસાણા ખાતે તેમણે એક કાર્યક્રમમાં જવાનું હોવાથી તેઓ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અનુમતિને લઈને મહેસાણા જવા નીકળી ગયા હતા. જ્યારે બીજી તરફ એક્ટિંગ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા મુખ્યપ્રધાનને વધાવ્યા હતા. અગાઉ પણ વિજય રૂપાણી નીતિન પટેલ વચ્ચેનો અણબનાવ ચર્ચાની ચકડોળે હતો.
પોતાના વતન મહેસાણામાં ગરજયા નીતિન પટેલ
મહેસાણાના કાર્યક્રમમાં નીતિન પટેલ બરાબર ખીલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'હું નહી ભલભલા રહી ગયા છે, સવારથી અટકળો ચાલતી હતી, પણ પક્ષ જ નિર્ણય કરે છે, હું 30 વર્ષથી ભાજપમાં છું અને રહીશ, હું જનતાના હૃદયમાં છું, મને કોઈ કાઢી શકવાનું નથી. સાહેબ તમે બધા વચ્ચે જ હું મોટો થયો છું'. નીતિનભાઈ ભાજપની બેઠકમાંથી જતા રહ્યા, પણ એવું નથી, મારે તમારી વચ્ચે આવવું હતું, આવો મોકો ન છોડાય. બધા ઉભા થઈ ભૂપેન્દ્ર પટેલ આપણા નવા મુખ્યપ્રધાનને તાળીઓ પાડીને વધાવી લઈએ.