- ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી
- બજારમાં નાના વેપારીઓની ખરીદી શરૂ
- પતંગ રસિયા હજૂ બજારમાં ઉમટ્યા નથી
અમદાવાદ: મકરસંક્રાંતિ પર્વનું ધાર્મિક રીતે ઉત્સવમાં તેમજ ૠતુની દ્રષ્ટિએ તમામ પ્રાંતમાં અનોખું મહત્વ છે. કોરોના વાઈરસ ફેલાયો એ પછી એક પછી એક અનેક તહેવારો, ઉત્સવો પસાર થઇ ગયા, પરંતુ એ તમામ તહેવારોને લોકોએ ઉત્સાહ કે ઉમંગથી માણ્યા નથી, ત્યારે મકરસંક્રાતિ ગણતરીના દિવસોમાં આવતી હોવા છતાં પતંગ રસિકો બજારોમાં છૂટા-છવાયા જ જોવા મળી રહ્યા છે.
પાથરણા, લારી, મંડપો વાળા ખરીદી કરી રહ્યા છે
નવા વર્ષની શરૂઆતે આવેલા ઉતરાયણ માટે હાલના તબક્કે પતંગના મોટા વેપારીઓ તેમજ દુકાન, પાથરણા, મંડપમાં સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરતાં લોકો જ ખરીદ-વેચાણ કરી રહ્યા છે. એટલે કે, બજારમાં નાના વેપારીઓ પતંગ, દોરી, ચહેરા, મહોરા માસ્ક, પિપૂડા, ચશ્માં , ગુંદર પટ્ટીની ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે.
ઘણાં પરિવારનું ગુજરાન સિઝનેબલ ધંધા પર જ ચાલે છે
શહેરના કાલુપુર ટાવરથી દરવાજા સુધી, જમાલપુર જેવા વિસ્તારોમાં હાલ નાના વેપારીઓની ભીડ વધારે નજરે પડે છે. કારણ કે, કેટલાક લોકોનો આખોય પરિવાર ઉત્સવો, મહોત્સવ, તહેવારોમાં વપરાતી વસ્તુઓનું વેચાણ કરી ગુજરાન ચલાવતો હોય છે.