- તબીબે પતિ પાસે જીવવાના વધુ 24 કલાક જ હોવાનું કહેતા પત્નીએ હાઇકોર્ટમાં કરી અરજી
- IVF માટે પતિના સ્પર્મ લેવા માટેની મંજૂરી લેવા માટે કોર્ટમાં દાખલ કરાઈ અરજી
- કોર્ટે સ્પર્મ કલેક્ટ કરવાની આપી મંજૂરી, પરંતુ આગામી સુનવણી સુધી પ્લાન્ટ નહી કરી શકાય
અમદાવાદ : શહેરના એક મહિલા અસ્મિતાબેન(નામ બદલ્યુ છે)ના લગ્ન વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં થયા હતા. કોરોના મહામારીની બીજી લહેરમાં તેમના પતિ સુરેશભાઈ(નામ બદલ્યું છે) નો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરેશભાઈને કોરોના એ હદે વધી ગયો કે તેમના મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયા અને ડોકટરે તેમના બચવાની આશાઓ છોડી દીધી છે. આ સંજોગોમાં અસ્મિતાબેને તેમના સંબધોની નિશાની રાખવા IVF ટેકનોલોજીના માધ્યમથી બાળક રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરેશભાઈ મરણપથારીએ હોવાથી ડોક્ટરે આ માટે તેમને કોર્ટની મંજૂરી લેવા જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં અસ્મિતાબેન કોર્ટના શરણે આવ્યા હતા.
IVF માટે ડોકટરોની શું રહી મજબૂરી?
IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે, પરંતુ સુરેશભાઈ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાથી ડોનર તરીકે તેમની મંજૂરી આપી શકે તેમ ન હતું. જેથી હોસ્પિટલના તબીબોએ તેમના પત્નીને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. પરિણામે અસ્મિતાબેને આજે મંગળવારે કોર્ટમાં આ માટેની મંજૂરી માગી હતી. નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતા 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ્સ કલેક્ટ કરી લેવાનો આદેશ કર્યો છે. વધુમાં કોર્ટે ઓર્ડર કર્યો હતો કે, આ સ્પર્મને જ્યાં સુધી આગામી સમયમાં યોજાનારી સુનાવણીમાં આદેશ ન કરે ત્યાં સુધી પ્લાન્ટ ન કરવા.