અમદાવાદઃ 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ નીમીતે દેશવાસીઓ દ્વારા અલગ-અલગ સેવાકીય પ્રવૃતિઓ, સ્વચ્છતા અંગેની જાગૃતિ, ગાંધી વંદના, વક્તૃત્વ સ્પર્ધાઓ અને રેલીઓ યોજાય છે.
પરંતુ કેટલાક કલાકારો ગાંધી વિચારને જીવંત રાખવા અનોખા પ્રયાસ કરતા હોય છે. જેથી પોતાના પેઇન્ટિંગ, સ્કલ્પચર જેવી કળા દ્વારા મહાત્મા ગાંધીજીને દેશ દુનિયામાં પહોંચાડવાના પ્રયાસ કરે છે. આવી જ રીતે શહેરની ખુશાલી વાકાણીએ ગાંધી વિચારને સ્કલ્પચર દ્વારા પહોંચાડવા પ્રયાસ કર્યો છે. હજુ પણ એમના જીવન સંદેશને પોતાની કળા દ્વારા વધુ લોકો સુધી પહોંચાડવા માંગે છે.
અમદાવાદ શહેરના જાણીતા સ્ટેજ આર્ટિસ્ટ, ફિલ્મ-ટી.વી કલાકાર ખુશાલી વાકાણી ગાંધી વિચારથી ખૂબ જ પ્રભાવિત છે. તેણીએ સી.એન. ફાઇન આર્ટસમાં સ્કલ્પચરનો અભ્યાસ કર્યો છે.
ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે એમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ગાંધી કથા સ્કલ્પચરને ઓલ ઇન્ડિયા આર્ટ એક્ઝિબિશનમાં એવોર્ડ મળ્યો હતો. ગાંધીજીના સમગ્ર જીવનને આ સ્કલ્પચરમાં વણી લેવામાં આવ્યું હતું.
વધુમાં ખુશાલી વાકાણી કહે છે કે, કોરોનાની મહામારી વચ્ચે પણ ગાંધીજીનું જીવન, મુલ્યો, વ્યક્તિત્વ મને કોચરબ આશ્રમની મુલાકાત માટે ખેંચી લાવ્યું છે. એટલે જ મારી સ્કલ્પચર કલા દ્વારા ગાંધી વિચાર દેશ વિદેશમાં પહોચાડવાના પ્રયાસો કરવા છે.