- મોસાળમાં જમણવાર અને મા પીરસનાર
- ગુજરાતના 7 સાંસદો મોદી કેબિનેટમાં
- વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય ગંજીપો ચિપ્યો
- સુરતમાં મોદી અને અમિત શાહે રાજકીય સોગઠી મારી
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનટ વિસ્તરણ (Cabinet Expansion) ની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના વધુ 3 સાંસદોને સ્થાન મળ્યું છે. પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા રાજ્યકક્ષાના પ્રધાન તો હતા જ, તેમને પ્રમોશન મળ્યું છે અને કેબિનેટમાં સમાવાયા છે. આમ, લોકસભાની 26 બેઠકોમાંથી 4 સાંસદો અને રાજ્યસભાના 3 સાંસદો મળીને કુલ 7 સાંસદોને મોદી કેબિનેટ (Modi Cabinet) માં સ્થાન મળ્યું છે. આમ, ગુજરાતના પ્રતિનિધિત્વની સાથે મહત્વ પણ વધ્યું છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને સ્થાન
ખેડાના દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના ડૉ. મહેન્દ્ર મુંજપુરા અને સુરતના દર્શના જરદોશને મોદી કેબિનટમાં સ્થાન મળ્યું છે. આમ જોવા જઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને મહત્વ અપાયું અને ત્યાંના પ્રતિનિધિઓને સ્થાન મળ્યું છે. દેવુસિંહ ચૌહાણ ઓબીસી છે, જ્યારે દર્શના જરદોશ છે તે મહિલા તરીકે કેબિનટમાં સ્થાન પામ્યા છે. ડૉ. મહેન્દ્ર મુંજપુરા કોળી સમાજમાંથી આવે છે.
કડવા અને લેઉઆ પાટીદાર નેતાને પ્રમોશન
પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે, અને મનસુખ માંડવિયા લેઉઆ પાટીદાર છે. આ બન્નેને પ્રમોશન અપાયું છે, અને કેબિનટ કક્ષાના પ્રધાન બન્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ગુજરાતના જ છે, અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતના છે. આમ કેન્દ્ર લેવલે જોવા જઈએ તો પીએમ મોદી સહિત કુલ 8 ગુજરાતીઓ છે.
મોદી કેબિનેટમાં વિસ્તારમાં જ્ઞાતીવાદી સમીકરણને ધ્યાને લેવાયું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં આવી રહી છે, તે પહેલા મોદી અને અમિત શાહે રાજકીય રીતે ગંજીપો ચિપ્યો છે. આજકાલ ગુજરાતમાં જ્ઞાતિવાદ રાજકીય સમીકરણ વધુ ચગ્યું છે. તમામ જ્ઞાતિના સમાજના લોકો મુખ્યપ્રધાન તો અમારા સમાજના જ હોવા જોઈએ, એવી માંગ કરી રહ્યા છે. ત્યારે મોદી કેબિનટ વિસ્તરણમાં તેનું પુરતું ધ્યાન રખાયું છે. બે પાટીદાર, એક ઓબીસી, એક મહિલા- દેસાઈ જરીનું કામ કામ કરનાર જરદોશીને સ્થાન આપ્યું છે.
સુરતમાં આમ આદમી પાર્ટીની પાંખો કાપવા દર્શના બહેનનું નામ
સુરતના સાંસદ દર્શન જરદોશને લોટરી લાગી ગઈ છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી (AAP) એ સુરતથી એન્ટ્રી કરી છે અને સુરતના પાટીદાર ભાજપથી નારાજ થયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ બન્યા પછી પાટીદારોમાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. સુરત નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. પાટીદાર સહિતના અનેક મોટા માથા અને કાર્યકરો ‘આપ’માં જોડાઈ રહ્યા છે. કેન્દ્રમાં સુરતને મહત્વ આપીને AAPની પાંખો કાપવા દર્શના જરદોશને સ્થાન આપવામાં આવ્યું હોય તેની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
પાટીદાર અગ્રણીઓ શું ભાજપથી નારાજ ?
પાટીદાર અગ્રણીઓ ભાજપથી નારાજ થયા છે. તાજેતરમાં ખોડલધામના નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, મુખ્યપ્રધાન તો પાટીદાર હોવા જોઈએ, ત્યારથી પાટીદાર અગ્રણીઓમાં ચડભડ શરૂ થઈ છે. પ્રદેશ ભાજપ પક્ષમાં પણ તેની અંદરખાને ખાનગી રાહે ચર્ચા થઈ રહી છે, કે આ મુદ્દો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં નડશે તો નહી ને? જો કે કેટલાક પાટીદારો ભાજપ સાથે હજી જોડાયેલા જ છે, અને તેઓ સ્પષ્ટ માની રહ્યા છે કે, હિન્દુત્વવાદી વિચારસરણી ભાજપની છે, તેથી તેઓ ભાજપ સાથે ઉભા રહેશે.
રૂપાણી સરકારમાં 7 પ્રધાનો પાટીદાર છે
ગુજરાત વિધાનસભામાં હાલ રૂપાણી સરકારમાં કુલ 7 ધારાસભ્યો પાટીદાર(પટેલ) છે. જેમાં નિતીન પટેલ ડેપ્યુટી સીએમ, આર સી ફળદુ, જયેશ રાદડિયા, સૌરભ પટેલ, કૌશિક પટેલ, યોગેશ પટેલ અને કુમાર કાનાણી. આમ, જોવા જઈએ તો ગુજરાત સરકારમાં પટેલોનું સ્થાન છે અને તેમને યોગ્ય મહત્વ પણ અપાયું છે. તેમ છતાં કેટલાક પાટીદારો મુખ્યપ્રધાન પદને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, જ્ઞાતિવાદી રાજકારણ લાંબા ગાળા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. મુખ્યપ્રધાન પદ માટેનું નામ પાર્ટી નક્કી કરતી હોય છે, જેથી તે પદ કોઈ સમાજનું નથી હોતું, તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.
2022 વિધાનસભાની ચૂંટણી માટે સોગઠા ગોઠવાયા છે
ટૂંકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના ડિસેમ્બરમાં આવી રહી છે. ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી (AAP) ઉભી છે, આમ ત્રિપાંખીયા વ્યૂહમાં ભાજપ કેવી રીતે જીતી શકશે? તે માટેના રાજકીય સમીકરણ ગોઠવવાનું ભાજપે શરૂ કરી દીધું છે અને સોગઠા પણ ગોઠવ્યા છે. કેન્દ્રમાં મોદી કેબિનટમાં ગુજરાતનું મહત્વ વધ્યું છે. ‘મોસાળમાં જમણવાર અને મા પીરસનાર’ હોય તો પછી બાકી જ શું રહે?
ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ETV Bharat