ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મહાપર્વમાં સૌ કોઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને યોગ્ય પાર્ટી તથા યોગ્ય નેતાને વિજયી બનાવી દેશની સત્તા યોગ્ય વ્યક્તિને સોંપે તેવા હેતુથી અને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત NSUIના કાર્યકર્તાઓ દ્વારા એક ઉત્તમ પહેલ કરવામાં આવી હતી.
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવે સુપ્રસિદ્ધ ભદ્રકાલી માતાના મંદિરની બહાર મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ હાથમાં મતદાન જાગૃતિના બેનરો સાથે અને વોટ આપવા અંગેના સૂત્રોચાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. ભદ્રકાલી માતાના મંદિરની બહાર ઉપસ્થિત તમામ લોકોને લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.
દરેકનો વોટ કિમતી હોય છે એટલા માટે NSUIના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંથી એક એવા લાલ દરવાજા વિસ્તારમાં સોમવારે આ અભિયાન અંતર્ગત લોકોને મત જાગૃતિ અંગે જાણકારી આપવામાં આવી હતી. લોકોને પેમ્પલેટ આપી તેમને વોટ આપવા અંગે વિનંતી કરવામાં આવી હતી. આ પ્રસંગે NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આસપાસના તમામ લોકોને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને યોગ્ય નેતાને વોટ આપવા ખાસ અપીલ કરી હતી.