- મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચાલતુ હતું ગેરકાયદેસર કોલ સેન્ટર
- અમદાવાદ સાયબર ક્રાઈમે ઇન્દોરમાં રેડ કરી આરોપીની કરી હતી ધરપકડ
- આ મામલે વધુ એક યુવતીની કરવામાં આવી ધરપકડ
અમદાવાદઃ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગેરકાયદેસર કોલ સેન્ટર શરૂ કરી છેતરપિંડી કરવાનું મોટુ કૌભાંડ ઝડપાયું હતું. જેમાં 31 શખ્સો દ્વારા આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. જે અંગે અમદાવાદ સાયબર ક્રાઈમે ઇન્દોરમાં રેડ કરી આરોપીની ધરપકડ કરી હતી. જે કેસમાં હવે એક યુવતીની ધરપકડ કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી ચૂકેલા વ્યક્તિ અને એક વેપારી પણ છેતરપિંડીના ભોગ બન્યા હતા. તેમની પાસેથી પણ રૂપિયા 18 લાખ અને 30 લાખ રૂપિયાની રકમ રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરી ચૂક્યાં છે.
આ પણ વાંચોઃ સાયબર ક્રાઈમના ભોગથી બચવા શું કરવું ? જૂઓ અહેવાલ..
સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરી ગેંગને ઝડપી
સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા મધ્યપ્રદેશની આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈની મહેતા ઈક્વિટી નામની પેઢીના નામે શેરબજારમાં પહેલા તેઓ રોકાણ કરાવતા અને લોકોને વધુ નફો અને ઊંચું વળતર મળશે તેમ કહી રૂપિયા ખંખેરતા હતા.
પોલીસે ઇન્દોરની શૈલી ગોયલની ધરપકડ કરી
આ કેસમાં વધુ એક રૂપિયા 30 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા જ પોલીસે ઇન્દોરની શૈલી ગોયલની ધરપકડ કરી છે. આરોપી તેના અન્ય એક મિત્ર સાથે મળી કોલ સેન્ટરના પૈસા જમા કરાવવાના, બેન્ક એકાઉન્ટ મેઇન્ટેઇન કરવાનું અને કસ્ટમર ડેટા પ્રોવાઇડ કરવાનું તથા નાણાંનું મેનેજમેન્ટ કરવામાં ભાગીદાર હતી. હાલ શૈલી તો ઝડપાઈ ગઈ છે, પણ તેનો મુખ્ય સાથીદાર વિનાયક પોલીસ પકડની બહાર છે. શૈલી અન્ય બોગસ કોલસેન્ટરમાં પણ ભાગીદાર હોવાનું બહાર આવી શકે છે. 9 માસથી આ કામ કરતી શૈલી અને વિનાયક કરતા હતા. દર મહિને ઠગાઈના રૂપિયા 40થી 45 લાખ બેન્ક એકાઉન્ટમાં જમા કરાતા હોવાનું સામે આવ્યું છે.