- RTE હેઠળ પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થીઓના રદ્દ કેન્સલ કરાયા
- વાલીઓએ સ્કૂલ ખાતે હોબાળો કર્યો
- DEO એ શાળા વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા
અમદાવાદ: શૈક્ષણિક નવું સત્ર શરૂ થતાં જ શહેરના સેટેલાઇટ વિસ્તારના આવેલી આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જેમાં, ઓનલાઇન ક્લાસ માટેના ગૃપમાંથી 28 વાલીઓને અચાનક કાઢી નાખવામાં આવ્યા છે. આમ, અચાનક જ એડમિશન કેન્સલ કરવામાં આવતા વાલીઓ મુઝવણમાં મુકાયા છે અને વર્ષ ચાલુ થયું ત્યારે જ સ્કૂલ દ્વારા RTE હેઠળના એડમિશન વિના કોઈ કારણે રદ્દ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગત વર્ષે એડમિશન લીધું ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન અંગેની કોઈ રીસિપ્ટ આપવામાં આવી નહોતી. માત્ર સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં જ એડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરત RTE પ્રક્રિયા શરૂ કરવા વાલી મંડળ દ્વારા DEO વતી શિક્ષણ પ્રધાનને રજૂઆત
સ્કૂલના કારણે અમારા બાળકોના ભવિષ્ય સાથે ચેડા
આ બાબતે વાલીઓએ જણાવ્યું હતું કે, મારી દીકરીનું ગયા વર્ષે RTE હેઠળ સ્કૂલમાં એડમિશન થયું હતું. જે માટે અમે રીસિપ્ટ માંગી હોવા છતા આપી નહોતી. ગયા વર્ષે શૈક્ષણિક કાર્ય ચાલુ થયું ત્યારથી અમને રેગ્યુલર ઓનલાઇન ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 2 દિવસ અગાઉ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થતા એમને ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. અત્યારે 2 કલાકથી સ્કૂલની બહાર રજૂઆત કરવા ઊભા છીએ છતાં કોઈ જવાબ મળતો નથી. સ્કૂલના કારણે અમારા બાળકોના ભવિષ્ય પર અસર થશે.
આ પણ વાંચો: રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં વાલીનું ફોર્મ શાળા દ્વારા રદ
એડમિશન નહિ અપાઈ તો કાયદેસરની કાર્યાવાહી કરાશે: DEO
આ મામલે DEO ઓફિસને જાણ થતાં જ મદદનીશ શિક્ષણાધિકારીને તપાસ કરવા માટે સ્કૂલ પર મોકલવામાં આવ્યા હતા. આથી, જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા RTE હેઠળ આવી રીતે એડમિશન કેન્સલ કરી શકાય નહીં. જો વાલીઓને પ્રવેશ આપવામાં આવશે તો કાર્યવાહી નહીં થાય. પરંતુ, જો એડમિશન નહિ આપવામાં આવે તો કાયદેસરની DEO દ્વારા કાર્યાવાહી કરવામાં આવશે.