- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- જામનગર રિફાઈનરીથી મહારાષ્ટ્રને પૂરો પડાયો ઓક્સિજન
- ગુજરાતને નિઃશુલ્ક ઓક્સિજન આપવાની માગ અમિત ચાવડા
અમદાવાદઃ દેશભરમાં હાલ કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને કારણે હાલત ખરાબ થઈ રહી છે. સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. આ બધા વચ્ચે સૌથી મોટી આફત એ થઈ રહી છે કે હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે ત્યારે કોંગ્રેસના અમિત ચાવડાએ મુકેશ અંબાણીને પત્ર લખ્યો છે.
નિઃશુલ્ક ઓક્સિજન ગુજરાતને આપવા લખ્યો પત્ર
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે મંગળવારે મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઓક્સિજન આપવાની માગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ફ્રીમાં ઓક્સિજન રિલાયન્સ દ્વારા આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ દ્વારા મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન વિના મૂલ્યે આપવામાં આવ્યો છે. જેનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે. અમિત ચાવડાએ માગ કરી છે કે, ઓક્સિજનનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે ત્યારે ત્યાંથી ઓક્સિજન ગુજરાતને પણ આપવામાં આવે. ગુજરાતની અનેક હોસ્પિટલોમાં હાલ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.
આ પણ વાંચોઃ સોમવારથી દેશભરમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનથી ઓક્સિજન પહોંચાડવામાં આવશે
જામનગર રિફાઈનરીથી મહારાષ્ટ્રને પૂરો પડાયો ઓક્સિજન
અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડ. લિમિટેડ જામનગર ખાતેની તેની રિફાઈનરીમાંથી ઓક્સિજન કાઢીને મહારાષ્ટ્રને મફતમાં પૂરો પાડી રહી છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ રહી છે ત્યારે મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રને મફતમાં ઓક્સિજન પૂરો પાડવાનું કામ શરુ કર્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં પણ ઑક્સિજનની ભારે અછત છે.
અમિત ચાવડાના પત્રનો વળતો આપ્યો જવાબ
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના પત્ર બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ અમિત ચાવડાનો પત્ર ટ્વિટ કરી વળતો જવાબ આપ્યો હતો. જેમાં લખ્યું કે રિલાયન્સ જામનગર દ્વારા ગુજરાતને દૈનિક 400 ટન ઓક્સિજન પુરો પાડવામાં આવે છે. જે તેમની ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગુજરાતના રાજનેતા તરીકે તમે આ વાતથી અજાણ લાગો છે.
કોંગ્રેસના ધારાસભ્યોની સરકાર સમક્ષ દરખાસ્ત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ગત તારીખ 18મી એપ્રિલના દિવસે આણંદના જિલ્લા અધિકારીને એક પત્ર લખીને હાલની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વૈશ્વિક મહામારીમાં ગામડાંઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને હોસ્પિટલમાં કોરોના વાઇરસ સંક્રમણમાં આવશ્યક એવા રેમડેસીવીર ઇન્જેકશન તેમ જ કોરોના ટેસ્ટિંગ માટે મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે 10 લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
ધારાસભ્યની ભલામણ
આ સિવાય જાહેર હિસાબ સમિતિના ચેરમેન તથા ઉનાથી કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગીર-સોમનાથ જિલ્લાના જિલ્લા અધિકારીને પત્ર લખીને કોરોના સામેની લડત માટે ધારાસભ્ય ફંડમાંથી 10 લાખ ફાળવવા ભલામણ કરી છે. પુંજા વંશે જિલ્લા આયોજન અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે સ્થાનિક કક્ષાએ નિદાન ચકાસણી અને જરૂરી તમામ સારવાર ઉપલબ્ધ થાય તે માટે તેમના મતવિસ્તાર ઉનામાં રેપીડ ટેસ્ટ કીટ રેમડેસીવીર ઇન્જેકશન તેમ જ જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે મારા ધારાસભ્ય ફંડમાંથી 10 લાખ ફાળવવાની દરખાસ્ત તેમણે કરી છે.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણી મહારાષ્ટ્રમાં 100 ટન ઓક્સિજન વિનામૂલ્યે આપશે
ધારાસભ્ય પુંજા વંશે વિલંબ કર્યા વગર કાર્યવાહી કરવા જણાવ્યું
આ અંગે વિલંબં કર્યા વગર વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી સરકાર કક્ષાએથી ત્વરિત જરૂરી આદેશો મેળવી આગળની કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. જે બાદ ગઇકાલે 19 એપ્રિલે રોજ અમદાવાદ શહેરના દાણીલીમડા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજયમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે બેકાબૂ બની રહી છે. નાગરકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. લોકોમાં ભયનો માહોલ છે.
રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યોઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સમગ્ર રાજય અને અમદાવાદ શહેરમાં હોસ્પિટલોમાં બેડ, કોરોનાની સારવાર માટે અસરકારક એવા રેમડેસીવીર ઇન્જેકશન, ફેબી ફલૂ જેવી દવાઓ અને ઓક્સિજનની અછત સર્જાઇ છે. હાલ આરોગ્ય વિભાગનો હવાલો સંભાળવતા નાયબ મુખ્યપ્રધાને પણ સ્વીકાર્યુ છે કે, રાજયમાં કોરોના બેકાબૂ બન્યો છે. તંત્ર તેને કન્ટ્રોલ કરી શકે તેમ નથી. તેમણે અમદાવાદ શહેરના પ્રજાજનોને કોરોના વાઇરસની મહામારીમાં મદદરૂપ થવા તેમના ધારાસભ્ય ફંડમાંથી રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદી માટે રૂપિયા 10 લાખ તથા ઓક્સિજન અને વેન્ટિલેટર મશીનની ખરીદી માટે 15 લાખ રૂપિયા ફાળવાનું જણાવ્યું હતું.