અમદાવાદઃ ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા અમદાવાદનું તંત્ર સાવધાનની મુદ્રામાં આવી ગયું છે. ઊપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી વધુને વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવી શકે છે. આ પાણીનો મોટો જથ્થો વાસણા બેરેજ ભણી વાળવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને ચેતવણી આપી દેવામાં આવી છે.
પુર નિયંત્રણ વિભાગે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાબરમતી જળાશયનું લેવલ રવિવારે સાંજે 5 વાગ્યા સુધી 80 ટકા છે. તેમજ આવક 46,611 કયુસેક છે. જે અનુસાર જો પાણીની આવક સતત જળવાય તો સાંજે 6 વાગ્યા સુધીમાં 10,000થી 15,000 કયુસેક પાણીનો પ્રવાહ ધરોઇ ડેમથી નીચેવાસમાં સાબરમતી નદીમાં છોડવામાં આવશે. જે પાણી સંત સરોવર, ગાંધીનગર ખાતેથી વાસણા બેરેજ ખાતે આવશે. જયાંથી બેરેજના દરવાજા ખોલી સાબરમતી નદીમાં વહેવડાવવામાં આવશે.
સંત સરોવર યોજનામાં પાણીનો જથ્થો 100 ટકા સપાટી છે. તેમજ 140 કયુસેક પાણીની આવક તથા જાવક છે. વાસણા બેરેજની હાલની સપાટી 129.75 ફૂટ છે. જેની પૂર્ણ સપાટી 137 ફૂટ છે. હાલમાં વાસણા બેરેજ ખાતેથી 3983 કયુસેક પાણીનો પ્રવાહ સાબરમતી નદીમાં વહેવડાવવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં વાસણા બેરેજના સ્ત્રાવક્ષેત્રમાં વરસાદને આધીન પાણીની સપાટી, ધરોઇ ખાતેથી છોડવામાં આવતાં પાણીના આધીન જથ્થો વધવાના કારણે યોજના મારફતે વધારાનું પાણી નદીમાં વહેવડાવવામાં આવે તેવી શક્યતા છે. જેથી નીચાણવાસમાં આવેલા કાંઠા વિસ્તારના તમામ ગામને એલર્ટ કરવા જાણ કરાઇ છે.