અમદાવાદઃ અજય મોદી સમગ્ર અમદાવાદમાં ટૂર ઓપરેટર તરીકે પ્રખ્યાત છે. દેશવિદેશના પ્રવાસ કરવા માટે અમદાવાદીઓ તેમનો સંપર્ક કરતા હોય છે. કોરોનાવાયરસ પહેલા તેમનો ધંધો ધમધોકાર ચાલતો હતો. પરંતુ આ વાઇરસની સૌથી વધુ અસર ટૂર ઓપરેટરોના વ્યવસાય ઉપર થઈ છે. બે મહિના સુધી તેમનો વ્યવસાય બંધ રહેતા તેમણે હવે નમકીનનો ધંધો શરૂ કર્યો છે.
કોરોના વાયરસના ગ્રહણના કારણે અમદાવાદના પ્રખ્યાત ટૂર ઓપરેટરે નમકીનનો વ્યવસાય શરૂ કર્યો
તેમણે જણાવ્યું હતું કે, તેઓ પહેલા અમદાવાદમાં ખાડીયામાં 10×10 ની રૂમથી આટલા આગળ આવ્યાં છે. જિંદગીમાં અનેક ચડતીપડતી જોઈ છે. પરંતુ માતાજી પર તેમને પૂરો ભરોસો છે. પહેલાં તેમની પાસે કાયમી 25 લોકોનો સ્ટાફ હતો. આ ઉપરાંત એડહોક સ્ટાફ અને કમિશન એજન્ટ પણ હતા. તેઓ સતત વ્યસ્ત રહેતાં હતાં, પરંતુ કોરોનાવાયરસને કારણે ઓફિસનો ખર્ચો કાઢવો મુશ્કેલ બન્યો છે. ત્યારે અત્યારે ફક્ત 12 વ્યક્તિઓના સ્ટાફથી તેઓએ ચાર માળની ઓફિસનાં પ્રથમ માળે નમકીનનો ધંધો શરૂ કર્યો છે, જ્યારે અન્ય ત્રણ માળ બંધ છે.
કોરોના વાયરસના ગ્રહણના કારણે અમદાવાદના પ્રખ્યાત ટૂર ઓપરેટરે નમકીનનો વ્યવસાય શરૂ કર્યો આ નવા બિઝનેસને તેઓએ પોતાની પૌત્રીના નામ પરથી 'કાવ્યા ગૃહ ઉદ્યોગ' નામ આપ્યું છે. જ્યાં તમામ 300થી વધુ પ્રકારની વેરાયટીમાં નમકીન મળી રહે છે. લોકોએ તેને સારો આવકાર પણ આપ્યો છે. તેમણે લાખો રૂપિયાનો ખર્ચો ઓફિસ પાછળ અને આ ગૃહ ઉદ્યોગને શરૂ કરવા માટે કર્યો છે. જરૂરિયાતમંદ સ્ટાફને નોકરીએ પણ રાખ્યાં છે. જે ગિફ્ટ ટુરિસ્ટને આપતાં હતાં, તે હવે ગ્રાહકોને અમુક રૂપિયાથી વધુની ખરીદી પર આપે છે. પરંતુ ચોક્કસ જ આ વ્યવસાયમાં એટલી કમાણી નથી કે જેટલી ટૂર ઓપરેટરના બિઝનેસમાં હોય. પરંતુ સ્ટાફને રોજગારી પુરી પાડવાનો તેમને આનંદ છે. તેમના પુત્ર દ્વારા આ વ્યવસાય શરૂ કરાયો છે. તેમના બીજા પુત્ર દ્વારા ઓનલાઇન વાસ્તુશાસ્ત્રની વસ્તુ વેચાણનો વ્યવસાય શરૂ કરાયો છે, એટલે કે વ્યવસાય તદ્દન ચેન્જ થઈ ગયાં છે. તેમનું કહેવું છે કે, તેમના માટે ચોક્કસ જ વ્યવસાય નવો છે અને તેમાં જો કોઈ ભૂલ થાય તો ગ્રાહકોની માફી માગવા તેમને બોર્ડ પર મૂક્યાં છે.કોરોના વાયરસના ગ્રહણના કારણે અમદાવાદના પ્રખ્યાત ટૂર ઓપરેટરે નમકીનનો વ્યવસાય શરૂ કર્યો અજય મોદીનું કહેવું છે કે, બે મહિના દરમિયાન સતત ઘરમાં બેસી રહેવાથી નકારાત્મક વિચારો આવે છે.જેથી અજય મોદીએ વિચાર્યું કે, દિમાગને સતત વ્યસ્ત રાખવું જોઈએ. જેથી ખરાબ વિચારોથી બચી શકાય, તેથી તેમણે આ વ્યવસાય શરૂ કર્યો. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે, ટૂર ઓપરેટિંગનો બિઝનેસ ફરીથી પોતાની રફતાર પકડશે ત્યારે અમદાવાદમાં સૌપ્રથમ તેમના નામનો ડંકો વાગશે. પરંતુ તેઓ આ નમકીનના વ્યવસાયને બંધ કરશે નહીં. ઘરની મહિલાઓ દ્વારા આ વ્યવસાય ચલાવવામાં આવશે. ટૂર ઓપરેટરોની વ્યથા સમજી અજય મોદીએ કેન્દ્ર સરકાર સમક્ષ વિનંતી કરી છે કે, તેમને વ્યવસાય શરૂ થતાં ટેક્સમાં રાહત આપવામાં આવે. જેથી કરીને ટૂર ઓપરેટરનો બિઝનેસ ફરીથી બેઠો થઈ શકે.