- સિવિલની 1200 બેડની હોસ્પિટલનું ફાયર સેફટી ઓડિટ થયું
- પીપીઈ કિટ પહેરીને ઓડિટ કર્યું
- ફાયર સેફટી મુદ્દે સંતોષ વ્યક્ત કર્યો
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા રચેલી ફાયર સેફટી ઓડિટ કમિટીના સભ્યો દ્વારા કોરોના ડેડિકેટેડ હોસ્પિટલની મુલાકાત લઇને ફાયર સેફ્ટીની ઉપલબ્ધ સુવિધાઓ, મેડિકલ ઉપકરણો, ઇલેક્ટ્રીફીકેશન અને હોસ્પિટલના સંસાધનોની ફાયર સેફટીનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાની વિશેષ હોસ્પિટલની ફાયર સેફટી સમીક્ષા કરી
સરકાર દ્વારા ફાયર સેફ્ટી માટેના નિર્ધારિત કરેલા માપદંડો પ્રમાણે હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની મુલાકાત લઇને ઓડિટ કમિટીના અધિકારીઓ પ્રભાવિત થયાં હતાં. અહીં ઉપલબ્ધ ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ, વ્યવસ્થાપનની સમીક્ષા કરી કમિટી દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તમામ સ્થળનું નિરીક્ષણ કરાયું
આ કમિટીના સભ્યો દ્વારા કોરોના ડેડિકેટેડ હોસ્પિટલના વોર્ડ, લિફ્ટ તેમજ અન્ય સ્થળોએ ફાયર સેફ્ટીની ઉપલબ્ધ સુવિધાઓ વિશેનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોરોના ડેડિકેટે હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં પી.પી.ઈ કીટમાં સજ્જ થઇ મુલાકાત લઇને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આગ લાગવાના આક્સ્મિક સંજોગોમાં ઉપલબ્ધ વ્યવસ્થાઓ તેમજ સ્ટાફની તૈયારી વિશેની વિગત વાર ચર્ચા કરવામાં આવી હતી. અગમચેતીના ભાગરૂપે કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યાં હતાં.
ફાયર સેફટીના તમામ માપદંડોને અનુસરવામાં આવ્યાં છે?
ફાયર સેફ્ટી માટેની ઉપલબ્ધ સુવિધાઓને વધુ શ્રેષ્ઠ બનાવવાના કેટલાક સુચનો પણ આ કમિટી દ્વારા કરવામાં આવ્યા હતાં. કોવિડ હોસ્પિટલની મુલાકાત અંગેનો પ્રતિભાવ આપતા એડિસનલ ચીફ ફાયર અધિકારી આર.જે.ભટ્ટે કહ્યુ કે કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટેના તમામ માપદંડોને અનુસરવામાં આવી રહ્યા છે. ફાયર સેફ્ટીના તમામ ઉપકરણોની જાળવણી શ્રેષ્ઠ રીતે કરવામાં આવી રહી છે. રાજ્યની તમામ કોરોના ડેડિકેટેડ સરકારી, ખાનગી અને મ્યુન્સિપિલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સંલ્ગ્ન મુલાકાત કરીને તેનું સેફ્ટી ઓડિટ હાથ ધરવામાં આવ્યુ છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
ચીફ ફાયર અધિકારી ઉપસ્થિત રહ્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી અને સમગ્ર સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને કમિટી દ્વારા બિરદાવવામાં આવી હતી. આ મુલાકાતમાં ચીફ ફાયર અધિકારી એમ.એફ.દસ્તુર, ચીફ ઇલેક્ટ્રીકસીટી ઇન્સ્પેક્ટર એચ.એચ.ખોજા, GM(ઇક્વીપમેન્ટ મેન્ટેન્નન્સ) ડૉ.ચેતના દેસાઇ, એ.સી.બી.ના આસિસટ્ન્ટ ડાયરેક્ટર આશુતોષ પરમાર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.