● કોરોના કાળ બાદ છૂટછાટ છતાં રેલવે પેસેન્જર વધ્યાં નહીં
● હાલ તમામ ટ્રેન રીઝર્વેશનમાં ચાલી રહી છે
● તહેવારોને લઈને પણ અતિરિક્ત કોઈ ટ્રેન નહીં
અમદાવાદઃ કોરોનાની પહેલી લહેરના અંતે 110 ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી હતી. બીજી લહેરના અંતે 75 જેટલી દૈનિક ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડે છે. સંપૂર્ણ ટ્રેનને દરરોજ સેનેટાઇઝ કરીને સ્ટેશન ઉપર લગાવવામાં આવે છે. દરેક યાત્રી કોવિડ પ્રોટોકોલનું પાલન કરે તેવો આગ્રહ રખાય છે. જો કે આમ છતાં કોરોનાના ડર અને જાગૃતિના કારણે કોરોનાની બીજી લહેર હળવી થઇ હોવા છતાં રેલવેના પેસેન્જરમાં વધારો જોવા મળ્યો નથી.
દિવાળીને લઈને પણ યાત્રીઓમાં વતન જવા ઉત્સાહ નહીં
ઉલ્લેખનીય છે કે હાલમાં તમામ ટ્રેનો રિઝર્વ ચાલી રહી છે. તેમ છતાં તમામ ટ્રેન ફૂલ થતી નથી. જન્માષ્ટમી સહિતના તહેવારો આવનારા સમયમાં આવી રહ્યાં છે. તેમ છતાં મથુરા, દ્વારકા કે વૃંદાવન જનાર પેસેન્જર નથી.
આથી ઓછી માગને જોતાં રેલવે દ્વારા વિશેષ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી નથી. પરંતુ દિવાળીના સમયે પેસેન્જરો દ્વારા ગાડીની માગ વધશે તો રેલવેે દ્વારા રેલવે મંત્રાલય સમક્ષ વધારાની ગાડી ઉમેરવા માગ કરાશે. આ ઉપરાંત ખાલી જતી રેલગાડીઓમાં છેલ્લા અડધા કલાકના બૂકિંગ ઉપર 10 ટકા કન્સેશન પણ આપવામાં આવે છે.