- કોરોનાના દર્દીઓને ઉપયોગી થઇ શકે તે માટે 51 યુનિટ રક્ત એકત્રિત કર્યું
- તલાટીથી માંડી ડેપ્યુટી કલેક્ટરે રક્તદાન કર્યું
- 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી
અમદાવાદઃ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં ગોતા ખાતે આવેલી સીટી ડેપ્યુટી કલેક્ટર (વેસ્ટ) ની કચેરી ખાતે તલાટીથી માંડીને મામલતદાર, સર્કલ ઓફિસરથી માંડીને ડેપ્યુટી કલેક્ટર સુધીના લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવતાની મિસાલ પૂરી પાડવા સાથે કર્મચારીઓ કેટલાં સંવેદનશીલ છે તેનું આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.
લોહીમાં રહેલા પ્લાઝમા તાતી જરૂરિયાત છે
કોરોનાની મહામારી વચ્ચે તેમાંથી બચવા માટે લોહીમાં રહેલાં પ્લાઝમાની જરૂર પડે છે. તો કેટલાંક દર્દીઓને લોહી ચડાવવાની પણ જરૂર પડે છે. આવા કોરોનાના દર્દીઓને ઉપયોગી બને તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના કર્મચારીઓએ લોકઉપયોગી કાર્ય કર્યું
આ અંગે અમદાવાદ કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં શરૂઆતથી જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલતાથી કાર્ય કરવાની સાથે લોકોને જરૂરી રાશન પહોંચાડવાથી માંડીને બહારના રાજ્યના શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા માટે રાત- દિવસ કાર્ય કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર જે રીતે સંવેદનશીલતાથી કાર્ય કરે છે તે જ રીતે રાજ્ય સરકારના કર્મચારીઓ પણ સંવેદનશીલ છે. તેના પ્રતાપે જ આવા લોક ઉપયોગી કાર્ય સંપન્ન થતાં હોય છે. કોરોનાના દર્દીઓને આ લોહી ઉપયોગી બનવાં સાથે અન્ય લોકો પણ આ માનવતાના કાર્યમાં જોડાય તેવી પ્રેરણા આ રક્તદાનથી મળશે તેમ કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું.
રકત જરૂરિયાતમંદને ઉપયોગી થશે
અમદાવાદ (વેસ્ટ)ના ડેપ્યુટી કલેક્ટર જે.બી. દેસાઇએ પોતે રક્તદાન કરી અન્ય કર્મચારીઓને પણ “રક્તદાન એ મહાદાન”ને પરિકલ્પનાને સાકાર કરવાં માટે પ્રેરિત કર્યા હતાં. આ રક્તદાન અનેક જરૂરીયાતમંદ કોરોનાના દર્દીઓને માટે ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કોરોના કર્મયોગીઓએ રક્તદાન કર્યું
નાયબ મામલતદાર શીતલબેન અને આર.આર. દેસાઇએ પણ રક્તદાન કરીને માનવતાના આ કાર્યમાં જોડાવાનો આનંદ વ્યક્ત કરી કહ્યું કે, વહીવટી કામગીરી કરવાં સાથે જરૂરીયાતના સમયમાં રક્તદાન કરવાથી અનેક લોકોના નવજીવનનો ભાગ બનવાનો આ અવસર છે. અમદાવાદ કલેક્ટરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના રક્તદાન શિબિર માટે આપેલાં સહકારની સરાહના કરી હતી. તેમણે કોરોના વોરિયર્સ એવા કર્મયોગીઓ કે જેમણે રક્તદાન કર્યું છે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યાં હતાં. કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ, જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ-અધિકારોઓ, સ્વૈચ્છિક રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.