અમદાવાદઃ ગુજરાતના યુવાધનને ડ્રગ્સના નશાથી બરબાદ થતા અટકાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા નશીલા પદાર્થની હેરાફેરી કરતા શખ્સો સામે લાલ આંખ કરવામાં આવી છે. દિવસેને દિવસે યુવાધનમાં નશીલા પદાર્થનો વ્યાપ ખુબ જ વધતા રાજ્ય પોલીસે સતર્ક બની સચોટ અને કડક કાર્યવાહી કરી છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ડ્રગ્સ માફિયાઓ અને મોટા ડ્રગ્સ ડિલરની ચેન તોડી પાડવા માટે કાર્યરત થઇ હતી. ક્રાઇમબ્રાંચે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ચેઇન તોડવા સતત પ્રયત્નશીલ હતા અને અગાઉ આવા પ્રકારના ડ્રગ્સના મોટા જથ્થા સાથે પકડાયેલા ઇસમો તેમજ તેમના મળતીયાઓની હરકત પર વોચ ગોઠવી હતી.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એ.વાય. બલોચને બાતમી મળી હતી કે, મુંબઈના સહેજાદ હુસેન તેજાબવાલા તથા ઈમરાન અહેમદભાઈ અજમેરી મુંબઈમાં રોકાઈ એમડી ડ્રગ્સની ખરીદી કરી તેમના માણસો મોહમ્મદ આરીફ ઉર્ફે મુન્નો ઇમરાન પઢીયાર તથા ફિરોઝ ખાન નાગોરીને MD ડ્રગ્સનો જથ્થો આપવામાં આવ્યો હતો. સાથે જ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી કાર પણ કબ્જે કરી છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સફેદ કલરની કાર સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આવી રહી છે. જેમાં એક કરોડનો MD ડ્રગ્સ આવી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે વોચ ગોઠવતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ટોલ પ્લાઝા પાસેથી દર્શાવેલી કાર દેખાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન તેમાં મોહમ્મદ આરીફ ઉર્ફે મુન્નો, ફિરોઝ ખાન મહંમદખાન નાગોરી અને ઇમરાન ઉર્ફે ઇમ્મો પઢીયારની અટકાયત કરવામાં આવી. ઇસમોની તપાસ કરતા ગાડીમાંથી બિનઅધિકૃત રીતે લઈને આવેલો નશીલો પદાર્થ MD ડ્રગ્સ મળી આવ્યો હતો. જેને કબ્જે કરવામાં આવ્યો હતો.
અહીં ચોંકાવનારી વાત એ જાણવા મળી હતી કે, ગુજરાત પોલીસનો એક કર્મચારી પણ યુનિફોર્મ સાથે જ ગાડીમાં જોવા મળ્યો હતો. જેને જોઈને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે સફેદ પદાર્થના કાળા કારોબારમાં ગુજરાત પોલીસની પણ સંડોવણી સામે આવી રહી હતી. જોકે સમાજમાં ઉદાહરણ બેસે અને કોઈપણ આરોપીને બક્ષી દેવામાં ન આવે તેવા હેતુસર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ફિરોઝ ખાન નાગોરીની પણ ધરપકડ કરી છે. તેની સાથે તેનો યુનિફોર્મ, બેલ્ટ, ટોપી, મોજા, બુટ તથા નામ પ્લેટ પણ કબ્જે કરી છે. તપાસ દરમિયાન સહેજાદ હુસેન ઉર્ફે મજહર હુસેન તેજાબ વાલા અને ઇમરાન અજમેરીનું નામ ખૂલ્યું હતું. જેઓએ મુંબઈથી એમડી ડ્રગ્સની ખરીદી કરી હતી અને અમદાવાદના અલગ-અલગ વ્યક્તિઓને વેચાણ કરતા હતા. તપાસના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુંબઈથી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, દાણીલીમડાના પોલીસકર્મીને સાથે રાખી ત્રણેય ઈસમો મુંબઈ ગયા હતા. જ્યાં રાત્રી રોકાણ કર્યા બાદ એક કરોડની ડ્રગ્સ લઈને બીજા દિવસે મોડી રાત્રે મુંબઈથી અમદાવાદ આવવા રવાના થયા હતા. આરોપીઓ મુંબઈથી રવાના થયા તે દરમિયાન દાણીલીમડાના પોલીસકર્મીએ પોતાનો ખાખી ડ્રેસ પહેરી લીધો હતો. કારણ કે રસ્તામાં કોઈ પણ જાતની પોલીસ તેમને હેરાન ન કરે અને પકડાઈ જવાનો ડર લાગતો હોવાના કારણે ASI ફિરોઝ ખાને પોતાનો ડ્રેસ પહેરી રાખ્યો હતો. ત્યારબાદ તેઓ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવ્યા ત્યારે તેઓએ પોતાનો ખાખી ડ્રેસ બદલી સાદા કપડામાં આવી ગયા હતા.
જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત પોલીસની સફેદ પદાર્થના કાળા કારોબારમાં સંડોવણી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. ગુજરાત પોલીસ પકડાયેલા પોલીસકર્મી વિરુદ્ધ કઈ રીતે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
મહત્વનું છે કે, પકડાયેલા મુખ્ય આરોપી શહેઝાદની પૂછપરછ દરમિયાન વર્ષ 2017માં જમાલપુર ખડીયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકેનું ઉમેદવારીપત્ર ભર્યુ હતું અને તે દરમિયાન પોલીસકર્મી ફિરોઝ ખાનના સંપર્કમાં આવ્યો હતો, ત્યારે પોલીસની સાથે સાંઠગાંઠ અને સમાજસેવાના ઢોંગ રચી પડદા પાછળ સફેદ પદાર્થનો કાળો કારોબાર ચલાવતો હતો. મહત્વની વાત એ પણ છે કે, દાણીલીમડાના પોલીસકર્મી ફિરોઝ ખાન અન્ય કેટલાય પોલીસ સ્ટેશનની અંદર પોતાની ફરજ બજાવી ચૂક્યો છે, ત્યારે ખાખી ધારણ કરીને ગુજરાત પોલીસ પર છાંટા ઉડાવનારો પોલીસકર્મી છેલ્લા કેટલા સમયથી આ કારોબાર ચલાવી રહ્યો હતો અને અન્ય કોણ કોણ પોલીસકર્મીઓ આમાં સંડોવાયેલા છે, સાથે જ સફેદ પદાર્થના કાળો કારોબારની અંદર પોલીસકર્મીનો કેટલો હાથ છે, તેને લઈને હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ વધારવામાં આવ્યો છે.