- ડોર ટુ ડોર કલેક્શનના વાહનચાલક દ્વારા અકસ્માત
- અકસ્માતમાં 10 વર્ષની બાળકીનું મોત
- પરિવાર દ્વારા યોગ્ય કાર્યવાહીની માગણી
- જવાબદાર વિરુદ્ધ ગુનો નોંધાયો
અમદાવાદઃ AMCના વધુ એક વાહન દ્વારા શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનાની વિગત જોઇએ તો શહેરના ફતેવાડી કેનાલ નજીક સ્ટાર રેસિડેન્સી પાસે કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીના ચાલકે 10 વર્ષની નૌરીન નામની બાળકીને અડફેટે લીધી હતી. જેનું વી.એસ. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે રાત્રે મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ આ દુર્ઘટનાને કારણે બાળકીના પરિવારમાં શોકનો માહોલ છે. પોતાની દીકરીને અકસ્માતમાં ગુમાવવાથી પરિવારજનો રોષે ભરાયા છે.
બાળકીએ વીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાડી ચાલકે આગળથી 10 વર્ષની નૌરીનને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાર બાદ બાળકીને વીએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. આ દરમિયાન બાળકીનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, દુર્ઘટનાને નજરે જોનારા લોકોએ આક્ષેપ કર્યો છે કે, ડોર ટુ ડોર વાહનચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. મૃતક બાળકીના પરિવારજનોએ જવાબદાર વાહનચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.