અમદાવાદ: ભારતનો સૌથી મોટો તહેવાર એટલે દીવાળી. જે ભગવાન રામના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાના ઉત્સાહમાં પ્રજાજનો દ્વારા ઠેર ઠેર દીવા પ્રગટાવીને ઉજવવામાં આવ્યો હતો.
ભગવાન રામની પાવન જન્મભૂમિ અયોધ્યામાં બુધવારે ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન થતા અનોખો ઇતિહાસ રચાયો છે. કરોડો ભારતવાસીઓનું પવિત્ર રામ મંદિરનું સપનું આખરે પૂર્ણ થયું છે. જેને પગલે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં પણ નગરજનો દ્વારા ઘરઆંગણે દીવા પ્રગટાવી ભૂમિપૂજન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદના વાડજ, નારણપુરા, ઓઢવ, નિર્ણયનગર, અખબારનગર, ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા જેવા અનેક વિસ્તારો દીવાઓથી ઝળહળી ઉઠયા હતાં. આ ઉપરાંત સાંજના સમયે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ પણ સર્જાયું હતું. જેને લઇને કેટલાક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતાં, પરંતુ થોડા સમય બાદ વરસાદ રોકાઈ જતા લોકોએ ફરીવાર દીપોત્સવ મનાવ્યો હતો.
બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ આખો દિવસ રામમંદિર જ ચર્ચામાં રહ્યું હતું. અયોધ્યામાં ભૂમિપૂજન દરમિયાન સમગ્ર દેશમાં શાંતિનું વાતાવરણ રહ્યું હતું.