- અમેરિકાથી પરત ફર્યા ભરતસિંહ સોલંકી
- ભરતસિંહ સોલંકી થયા ભાવુક
- પોતાના પિતા માધવસિંહ સોલંકી સાથેના એ સમયને કર્યો યાદ
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું શનિવારે નિધન થયું હતું, ત્યારે રવિવારે તેમના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અમેરિકાથી અમદાવાદ આવી પહોંચ્યાં હતા અને ભરતસિંહે પોતાના પિતા સાથેના સંસ્મરણોને યાદ કરતાં જણાવ્યું કે, મારા પિતા મારી સાથે હંમેશા મિત્ર માર્ગદર્શક અને ફિલોસોફરની જેમ રહ્યા હતા.
તેમના નિધનથી અમારા પરિવારને ખૂબ જ મોટી ખોટ પડીઃ ભરતસિંહ સોલંકી
તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ હંમેશાં એક કેપ્ટનની જેમ મારા જીવનમાં પડખે ઊભા રહ્યાં હતા. તેમના નિધનથી અમારા પરિવારને ખૂબ જ મોટી ખોટ પડી છે. મહત્વનું છે કે ગુજરાતમાં સતત છ દાયકા સુધી તેઓએ લોકોના પ્રેમને પ્રાપ્ત કર્યો હતો. કન્યા કેળવણીથી લઇને ઉદ્યોગીકરણ સુધી અને આયોજન પ્રધાન તરીકે નર્મદા યોજનાનું કાર્ય શરૂ થાય તે માટેના તમામ પ્રયત્નો કર્યા હતા. તેમના સમય ગાળા દરમિયાન ગુજરાતને સુવર્ણયુગ જોવા મળ્યો હતો અને તેઓ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી માટે ખૂબ જ પ્રેમ ધરાવતા હતા.