અમદાવાદ: કોરોનાના દર્દી માટે હાલ કોઈ વેક્સીન શોધાઈ નથી, પરંતુ પ્લાઝમા ડોનેટની પ્રક્રિયાથી કોરોનાના દર્દીની સારવાર ઝડપથી થાય છે. આવામાં પોઝિટિવમાંથી નેગેટિવ આવ્યા બાદ પણ લોકો પ્લાઝમા ડોનેટ કરતા ગભરાય છે, ત્યારે SP હરેશ દુધાત પ્લાઝમા ડોનેટ માટે ઉદાહરણરૂપ સાબિત થયા છે.
23 સપ્ટેમ્બર પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કર્યા
પોલીસ તાલીમ એકેડેમીમાં ફરજ બજાવતા SP હરેશ દુધાત ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ સારવાર મેળવીને તેમણે કોરોનાને માત આપી હતી. જે બાદ અન્ય દર્દીને સારવારમાં મદદ થાય તે હેતુથી તેમને 23 સપ્ટેમ્બરે પ્લાઝમા ડોનેટ કર્યું હતું.
16 ઓક્ટોબર બીજી વખત પ્લાઝમાં ડોનેટ કર્યા
એક વખત પ્લાઝમા ડોનેટ કર્યા બાદ તેમનામાં હજૂ પણ કોરોના સામે લડવાના એન્ટિજન હતા. જેથી તેમણે બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કર્યા છે. જે પોઝિટિવમાંથી નેગેટિવ આવેલા લોકો માટે પ્રેરણારૂપ છે.
શું છે પ્લાઝમા થેરાપી?
કોઈ વ્યક્તિ કોરોના સંક્રમણથી સ્વસ્થય થઈ જાય છે. તો તેના શરીરમાં આ વાઇરસને બે અસર કરતી એન્ટિબોડી બની જાય છે. આ એન્ટિબોડીની મદદથી વાઇરસથી સંક્રમિત બીજા દર્દીઓના શરીરમાં હાજર કોરોના વાઇરસને નષ્ટ કરી શકાય છે.
ક્યારે પ્લાઝમાં ડોનેટ કરી શકાય?
કોઈ દર્દીના સ્વસ્થ થયાના 14 દિવસ બાદ તેના શરીરથી એન્ટિબોડી લઈ શકાય છે. આ પ્રક્રિયામાં સ્વસ્થ થયેલા દર્દીના શરીરમાંથી લોહી કાઢવામાં આવે છે. લોહીમાં હાજર એન્ટિબોડી માત્ર પ્લાઝ્મામાં હોય છે. એટલા માટે લોહીથી પ્લાઝ્મા અલગ કરી બાકીનું લોહી ફરી દર્દીના શરીરમાં પરત ચઢાવવામાં આવે છે.