- ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
- યુનિવર્સિટીમાં આ વર્ષે 20,000 થી વધુ બેઠકો ભરાય તેવી શકયતા
- 950 બેઠક સામે 2,000 કરતા વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા
આમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં ધોરણ 12 પછીના અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. આ વર્ષે માસ પ્રમોશનના કારણે વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થયાં છે, જેથી કોલેજમાં એડમિશન વધવાની પુરી શક્યતાઓ જોવા મળી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા અગાઉથી જ એડમિશન આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી, પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે, વધુ વિદ્યાર્થીઓને એડમિશન કેવી રીતે આપવામાં આવશે, દર વર્ષની જેમ જ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે, આવા અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે.
ઈન્ટિગ્રેટેડ 5 વર્ષના કોર્ષ શરૂ કરાયા
આ તબક્કે યુનિવર્સિટી કુલપતિએ જણાવ્યું હતું કે, આ વર્ષે પણ દર વર્ષની જેમ જ એડમિશન પ્રક્રિયા રહેશે. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ત્યારબાદ વિદ્યાર્થીઓના ડેટા મળ્યા બાદ આગળની પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થયા પછી ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર થશે, ત્યારે સૌથી વધુ રજિસ્ટ્રેશન અત્યાર સુધીમાં ઈન્ટિગ્રેટેડ કોર્ષના તમામ વિભાગમાં થઈ રહ્યા છે. હવે મોટા ભાગના વિષયમાં ઈન્ટિગ્રેટેડ 5 વર્ષના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. અત્યારે 950 બેઠક સામે 2,000 કરતા વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.
કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે
ગુજરાત યુનિવર્સિટી પાસે B.COM, BBA, BCA, ઈન્ટિગ્રેટેડ, MBA, MSC IT સહિતના કોર્ષમાં 65,000થી વધુ બેઠક છે. દર વર્ષે કેટલીક બેઠક ખાલી રહે છે, પરંતુ આ વર્ષે તમામ બેઠક ભરાઈ જશે. આ ઉપરાંત 20,000 બેઠક વધુ એટલે કે આ વર્ષે 85,000 બેઠક ભરાય તેવી શક્યતા છે. માસ પ્રમોશનને કારણે આ વર્ષે બેઠકો વધારવા માટે કમિટીની બેઠક મળશે અને બાદમાં બીજી કોલેજોને મંજૂરી આપવામાં આવી શકે છે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે. ત્યારે હાલમાં તો જુદી જુદી વિદ્યાશાખાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવાથી બેઠકો વધુ ભરાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે વ્યસવસ્થા કરવામાં આવશે.