શહેરના નહેરુબ્રિજ પાસેથી સવારે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ACP આકાશ પટેલ તેમની સરકારી ગાડીમાં મીઠાખળી ખાતેની ઓફિસે જઈ રહ્યા હતા. તે દરમિયાનમાં ટ્રાફિક સિગ્નલ પર નંબર પ્લેટ ચેડા કરેલી બાઈક તેમની નજરે આવી હતી. આ જોતા જ તેમને તેમની સાથેના પોલીસકર્મીને ચાલુ ગાડીએ જ બાઈક સવાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે બાદ પોલીસકર્મીએ બાઈક સવારને નજીકની ટ્રાફિક ચોકીએ લઇ જઈ બાઈક સવાર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લોકો ઈ-મેમોથી બચવા માટે નંબર પ્લેટ સાથે ચેડા કરતા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે, ત્યારે આજે ટ્રાફિક સિગ્નલ પર જ બાઈક સવાર નંબર પ્લેટ સાથે ચેડા કરેલી બાઈક સાથે દેખાતા કાર્યવાહી કરવામાં આવી છે. આકાશ પટેલ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, માત્ર ઈ-મેમોથી બચવા લોકોએ આ પ્રકારે નંબર પ્લેટ સાથે ચેડા ન કરવા જોઈએ. કેટલીક વખત અકસ્માત જેવી સ્થિતિમાં પણ ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે અને જે લોકો આ રીતે ચેડા કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.