- નકલી કોલસેન્ટર કેસનો આરોપી દારૂની મહેફિલ માણતો ઝડપાયો
- પોલીસને આરોપીના મોબાઈલ ફોનમાંથી ક્રિપ્ટો કરન્સીનો ડેટા અને ચેટ મળી
- ક્રિકેટ અને ફૂટબોલ પર રમાયેલા સટ્ટાના હિસાબો પણ મળી આવ્યા
અમદાવાદઃ કોલસેન્ટર કેસનો આરોપી નિરવ રાયચુરા તેના અન્ય 2 મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો ઝડપાયો છે. આનંદનગર પોલીસે બાતમીના આધારે નિરવની આનંદનગર વિસ્તારમાં આવેલા સફલ પ્રોફીટેર કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં દરોડો પાડ્યો હતો. જેમાં આરોપી તેના મિત્રો સંતોષ સોંડા (ભરવાડ) અને રાહુલ પુરબીયા સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો હતો.
બે વાઈનની બોટલ, IP એડ્રેસ તેમજ શંકાસ્પદ હિસાબો લખેલી ડાયરી જપ્ત
આરોપી નિરવની ઓફિસમાં દરોડો પાડતા પોલીસને 39.35 લાખના સોના- હિરાના દાગીના મળ્યા છે. આ સાથે એક ડાયરી મળી છે. જેમાં ક્રિકેટ અને ફૂટબોલના સટ્ટાના હિસાબો મળી આવ્યા છે. આ ઉપરાંત ડાયરીમાં કેટલાક IP એડ્રેસ પણ લખેલા મળ્યા છે. જેથી સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
મોબાઈલમાંથી ક્રિપ્ટો કરન્સીનો ડેટા અને ચેટ પણ મળી આવી
પોલીસે સમગ્ર દરોડા દરમ્યાન 2 આઈફોન અને 2 લેપટોપ પણ જપ્ત કર્યા છે. જે મોબાઈલ ફોનમાંથી ક્રિપ્ટો કરન્સીનો ડેટા અને ચેટ પણ મળી આવી છે. આ ઉપરાંત સટ્ટા અને બેટિંગના હિસાબો પણ મળી આવતા આરોપીઓના મોબાઈલ ફોન વધુ તપાસ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે.
નિરવની પત્ની ક્રિષ્ના રાયચૂરા ફરાર
પોલીસની પૂછપરછમાં નીરવનું ચાંગોદર સ્થિત રિવેરા ગ્રીન બંગલોઝમાં મકાન હોવાનું જણાવ્યું હતું. જેથી ગ્રામ્ય પોલીસે નિરવના ઘરે દરોડા પાડતાં ઘરમાં એક વૈભવી બાર મળી આવ્યો હતો. જેમાં વિદેશની વિવિધ બ્રાન્ડની 5 બોટલ સાથે 10 ખાલી બોટલ પણ મળી આવી હતી. આ ઉપરાંત નિરવની રેન્જ રોવર કાર પણ મળી આવી છે, પરંતુ પોલીસ દરોડો પાડે તે પહેલાં જ નિરવની પત્ની ક્રિષ્ના ફરાર થઈ ગઈ હતી.
નિરવની કારમાંથી ગેરકાયદે હથિયાર જપ્ત
પોલીસે બંગ્લામાં પાડેલા દરોડામાં કમ્પાઉન્ડમાં પડેલી એક રેન્જ રોવર કાર પણ જપ્ત કરી હતી. આ કારની તપાસ કરતા કારમાંથી પણ એક દારૂની બોટલ મળી હતી. આ ઉપરાંત 1 ગેરકાયદે હથિયાર પણ મળ્યું હતું.