અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલા વર્ષ 2017માં તેમના પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી. જ્યાં પતિના મિત્ર બિલ્ડર સુનિલ ભંડેરી મળ્યા અને લગ્નમાંથી પરત આવ્યા બાદ સુનિલે મહિલાના પતિને ફોન કરી કહ્યું કે, તારી પત્નીએ જે સાડી પહેરી હતી તે બહુ સારી છે તે મારી પત્ની માટે લેવાની છે. આમ કરી મિત્રના ઘરે સુનિલ અવાર નવાર આવતો જતો હતો. દરમિયાન જૂન 2017માં સુનિલ ઘરે ચોકલેટ લઇને આવ્યો અને મહિલાને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ જતા, સુનિલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધા હતા.
જે બાદ આરોપી સુનિલ અવાર નવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હોવાનો આરોપ પણ ફરિયાદી મહિલાએ લગાવ્યો છે. આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જુદી-જુદી હોટલમાં લઈ જતો અને ત્યાં દુષ્કર્મ ગુજારી સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ આચર્યું હતું. જે અંગે કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ આરોપીને કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતા આરોપીને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી આરોપી ફરાર થયો હતો જે અંગે પોલીસે તપાસ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, આરોપી સુનીલ ભંડારી સીમા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય હતા. આ દરમિયાન આરોપીએ પીઆઈ રાઠોડ વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો. આરોપીએ ACB અને રાજ્યના DGPને પીઆઈએ દુષ્કર્મ મામલે 45 લાખ રૂપિયા લાંચ લીધી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ મામલે G ડિવિઝન એસીપી એ.એમ.દેસાઈને તપાસ સોંપવામાં આવી છે.