અમદાવાદઃ પાકિસ્તાન દ્વારા જારી કરવામાં આવેલા નવા નક્શામાં ગુજરાતના જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો બતાવતા ભારે વિરોધ થઇ રહ્યો છે. આ મુદ્દે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના પૂતળાનું દહન કરવા ભેગા થયા હતા, જો કે તેઓ પૂતળાનું દહન કરે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી.
આ મુદ્દે વાતચીત કરતા આમ આદમી પાર્ટીના નેતા અમજદ પઠાણે જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાન સામે વિરોધ કરી રહ્યા છીએ. તેમ છતાં અમને પોલીસ વિરોધ કરવા દેતી નથી અને અમારી અટકાયત કરી રહી છે. આ પ્રકારના કૃત્યથી સરકારની નીતિ સ્પષ્ટ થાય છે.
નોંધનીય છે કે, પોલીસ દ્વારા ઇમરાન ખાનના પોસ્ટર સળગાવવાની પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં આમ આદમી પાર્ટીના નેતા અને કેટલાક કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. પરવાનગી આપી ન હોવા છતાં બહાર એકત્ર થતાં પોલીસે વિરોધ પહેલા જ તેમની ધરપકડ કરી લીધી હતી.
પાકિસ્તાન તરફથી હાલમાં જ એક નવો નક્શો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારતનો અંગ ગણાતા જૂનાગઢને પોતાનો હિસ્સો બતાવ્યો હતો અને ત્યારપછી સમગ્ર દેશમાં પાકિસ્તાનનો ભારે વિરોધ થયો હતો.