- મિત્રએ જ મિત્રની છરા વડે હત્યા કરી માથું ધડથી અલગ કરી દીધું
- હત્યા કરનારની બહેનને મૃતક બીભત્સ ચેનચાળા કરતો હોવાથી અગાઉથી અદાવત હતી
- અગાઉ પણ બને વચ્ચે ઝગડા થતા હતા
અમદાવાદ: દાણીલીમડામાં ન્યુ ફૈસલ નગર ખાતે આવેલી સોઢણ તલાવડી ખાતે ખંડેર હાલતની ઓરડીમાં તલાવડીનું પાણી ભરાયુ હતું જેમાંથી માથા સિવાયની કોથળામાં બાંધેલો મૃતદેહ તથા માથું તરતું મળી આવ્યું હતું. જે બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી, ત્યારે મૃતક વ્યક્તિ શાહરૂખ ઉર્ફે મસરી સ્થાનિક જ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહની ઓળખ થતાં મૃતકના માતાને પોલીસને જણાવ્યું હતું કે, શાહરૂખ 15 સપ્ટેમ્બરથી ગુમ હતો. સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
બન્ને વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતાં હતાં
આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મઝહર ઉર્ફે કસાઈને ઝડપી પાડ્યો હતો. મઝહરે જ પોતાના મિત્ર શાહરૂખની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે મઝહરની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક શાહરૂખ અને તે મિત્રો હતા. શાહરૂખ અને તેની પ્રેમિકા દાણીલીમડા મેમણ કોલોની ખાતે આવેલા મઝહરના ઘર પાસે બેસવા જતાં હતાં, ત્યારે મઝહરની બહેનને બીભત્સ ચેનચાળા કરતો હતો. જેથી મઝહરને ત્યાં બેસવા માટે ના પાડતા બન્ને વચ્ચે ઝગડો તથા મારામારી થઈ હતી. આ ઉપરાંત બન્ને વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતાં હતાં અને બન્ને એક બીજા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલી હતી.
આ પણ વાંચો: સુરતમાં માત્ર 500 રૂપિયાના કારણે છત્તીસગઢના વૃદ્ધની હત્યા, આરોપીની ધરપકડ
જૂની અદાવત ધ્યાનમાં રાખીને છરા વડે ગળું કાપી નાખ્યું
આ દરમિયાન ગત 16 સપ્ટેમ્બરે વહેલી સવારે શાહરૂખ તેની પ્રેમિકાના વટવાના ચાર માળિયા ખાતેના ઘરે હતો, ત્યારે શાહરૂખે મઝહરને ફોન કરીને તેને લેવા બોલાવ્યો હતો. જ્યાંથી મઝહર પોતાની બાઇક લઇને શાહરુખને લેવા આવ્યો હતો અને બન્ને દાણીલીમડાના કલંદનગર ખાતે આવ્યા હતા. જ્યાં શાહરૂખ તેની સાસરી વાડાના ઘર પાસે બૂમો પડતો હતો. જેથી મઝહરે શાહરુખને કહ્યું કે 100 નંબર પર કોઈ ફોન કરશે તો પોલીસ આવીને તને પકડી જશે. જેથી તું મારા ઘરે આવી જા. મઝહર શાહરુખને તેના ઘરે લઈ ગયો હતો પરંતુ શાહરૂખ દારૂ પીધેલી હોવાથી સૂઈ ગયો હતો. મઝહરે તેને ઉઠાડવાનો પ્રયત્ન કરતા પણ તે ઉઠ્યો ન હતો. આ દરમિયાન મઝહરે જૂની અદાવત ધ્યાનમાં રાખીને છરા વડે ગળું કાપી નાખ્યું હતું અને શાહરૂખ જાગી જતા શરીરના ભાગે પણ છરીના ઘા કર્યા હતા, જેથી શાહરૂખનું મોત થયું હતું.
આ પણ વાંચો: ભાવનગરમાં સગીર યુવતી અને કોલેજિયન યુવકે બ્લેકમેલ કરતી સગીરાની હત્યા કરી
ક્રાઇમ બ્રાન્ચે આરોપી મઝહરને ઝડપી પાડ્યો
મઝહરે માથાને ધડથી અલગ કરીને ઘરમાં પડેલા સફેદ પ્લાસ્ટિકના કોથળામાં માથા સિવાયના મૃતદેહને મૂકી કોથળાને બાંધી કોથળો મઝહર પોતાની બાઇક પર મૂકીને ઉપર કપાયેલું માથું મૂકી બાઈક લઇને નજીકમાં આવેલી સોઢણ તલાવડી પાસે જઈને ખંડેર હાલતની ઓરડીમાં પાણી ભરાયેલું હતું, તેમાં કોથળો તથા માથું ફેંકી દીધું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મઝહરને ઝડપીને દાણીલીમડા પોલીસને સોંપવાની કામગીરી શરૂ કરી છે. આરોપી સાથે અન્ય આરોપી સંડોવાયેલા છે કે નહિ તે બાબતે દાણીલીમડા પોલીસ તપાસ કરશે.