અમદાવાદ: શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા A-વોર્ડ રેલવે ફાટક પાસે આવેલી પ્રેમ બિલ્ડિંગનું ત્રણ માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ગત મોડી રાતે અચાનક ધરાશાયી થયું હતું. મધરાતે બિલ્ડિંગ ધરાશાયી થયું એ સમયે ત્રણ યુવકો અંદર કામ કરી રહ્યાં હતા. જેમાંથી એકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 2 વ્યકિતને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બિલ્ડિંગ ધરાશાયી થયું ત્યારે મોડી રાતે બિલ્ડિંગમાં ત્રણ યુવકો સિલાઇ કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક જ બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. બિલ્ડિંગ પડવાનો અવાજ સંભળાતા આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા, સ્થળ પર પહોંચેલા સ્થાનિકોએ અંદર ફસાયેલા ત્રણ યુવકને બચાવવા પ્રયાસો કર્યા હતા અને બનાવ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
આ બનાવ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અંદર ફસાયેલા ત્રણ યુવાનોને બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી. ફસાયેલા યુવકોને બચાવવાની કામગીરી પાંચ કલાક ચાલી હતી. જેમાંથી ત્રણ યુવકોને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગંભીર રીતે ઘાયલ યુવક પ્રેમાભાઈ ચારણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 2 ઘાયલ યુવકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.