- કૃષ્ણનગરમાં હત્યાનો બનાવ
- 7 થી 8 ઇસમોએ ભેગા મળીને કરી યુવકની હત્યા
- સારવાર દરમિયાન યુવકનું થયું મોત
અમદાવાદ: કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે જાહેરમાં ધ્રુવરાજસિંહ ભાટી નામના યુવકને 7 થી 8 ઇસમોએ માર માર્યો હતો. ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. કૃષ્ણનગર પોલીસે સમગ્ર મામલે મારામારીનો ગુનો નોંધીને 3 લોકોની અટકાયત કરી છે.
મોત બાદ પણ પોલીસ નિષ્ક્રિય દેખાઈ
અગાઉ જ્યારે મારામારીમાં ધ્રુવરાજસિંહ ભાટી ગંભીર રીતે ઘાયલ થયો ત્યારે પોલીસે માત્ર મારામારીની ફરિયાદ નોંધી હતી અને બાદમાં હત્યાના પ્રયાસના ગુના માટે કોર્ટમાં જાણ કરી હતી પરંતુ સારવાર દરમિયાન જ યુવકનું મોત થતા પોલીસે 3 લોકો વિરુદ્ધ જ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ પછી પરિવારે ન્યાયની માગ કરતા અન્ય 5 ઈસમો એમ કુલ 8 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાકડી અને પાઈપ વડે મારામારી કરતો વીડિયો થયો વાઇરલ
સમગ્ર મામલે એક વીડિયો વાઇ રલ થયા બાદ ખુલાસો થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે યુવકને મારવામાં આવી રહ્યો છે, યુવક ઢળી પડે છે અને બેભાન અવસ્થામાં છે તેમ છતાં બીભત્સ ગાળો બોલીને 8 ઈસમો તેને મારી રહ્યા છે. કોઈ પાઈપ તો કોઈ ડંડા વડે આડેધડ યુવકને મારી રહ્યું છે.
કેવી રીતે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું?
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મરનાર યુવક ધ્રુવરાજ સિંહ ભાટી પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે હિતેશ શાહ નામના યુવક તેને ઓવરટેક કરીને આગળ નીકળી ગયો હતો જેથી ધ્રુવરાજસિંહ તેને ગાળો આપવા લાગ્યો હતો, જે બાદ સામાન્ય ઝગડો થયો અને બોલાચાલી વધતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મરનાર યુવક સામે 10થી વધુ ગુના નોંધાયા હતા. પરંતુ તે સગીર વયનો હોવાથી ખાસ કાર્યવાહી થઇ શકી નહોતી. સમગ્ર મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.