અમદાવાદ: અમદાવાદ શહેરના રાયપુર દરવાજા પાસે મહિપતરામ રૂપરામ આશ્રમ આવેલો છે જ્યાં અનિતાબહેન પરમાર 28 વર્ષથી નિવાસી ગૃહમાતા તરીકે ફરજ બજાવે છે. આ આશ્રમમાં નિરાધાર અને તરછોડાયેલા બાળકોની સારસંભાળ રાખવામાં આવે છે અને કોઈ વ્યક્તિ રોડ પર કે કચરાપેટીમાં બાળક તરછોડી ન દે તે માટે આશ્રમ બહાર એક પારણું મુકવામાં આવેલું છે. જો આ પારણામાં કોઈ નિરાધાર બાળકો મૂકી જાય તો તેનો આ આશ્રમ દ્વારા ઉછેર કરવામાં આવે છે.
રક્ષાબંધનના દિવસે સવારે દૂધ લેવા અનિતાબહેન બહાર આવ્યા ત્યારે આશ્રમની બહાર પારણામાં કોઈએ એક માસૂમ નાની તાજી જન્મેલી બાળકી મુકેલી હતી. આશરે સાતેક દિવસની આ બાળકીનું વજન પણ 2 કિ. ગ્રા. જેટલું હતું. અનિતાબેન આ બાળકીને આશ્રમમાં લઈ ગયા હતા અને તાત્કાલિક આ અંગે કાગડાપીઠ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે આઇપીસી કલમ 317 મુજબ ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કરી બાળકીને તરછોડી દેનારને પકડવા તજવીજ હાથ ધરી છે.