- ખાણી-પીણી બજારમાં ટેકઅવેનો વેપાર ઘટીને 20 ટકા પહોંચ્યો
- વેપાર ન થતાં 60 ટકા વેપાર બંધ
- પ્રખ્યાત રેસ્ટોરેન્ટને ફ્રેન્ચાઇઝીમાં ઘટાડો કરવો પડ્યો
અમદાવાદઃ બીજા તબક્કાની સ્થિતિને કારણે મોટા ભાગના બજાર બંધ છે. ખાણી-પીણી બજાર પણ બીજા તબક્કામાં બંધ હોવાને કારણે હાલ માત્ર ટેકઅવેથી જ વેપાર થઈ રહ્યો છે. લોકડાઉન સમયે પણ ખાણી-પીણી બજાર બંધ હોવાને કારણે વેપારીઓ ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત વેપાર ઉપર વારંવાર લાગેલા પ્રતિબંધોને કારણે પણ નુકસાન થયું છે. એક તરફ આવકમાં ઘટાડો ત્યારે બીજી તરફ સ્ટાફનો પગાર, રેસ્ટોરેન્ટના ભાડા અને, અન્ય ખર્ચાઓને કારણે વેપાર બંધ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચોઃ કોરોનામાં લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર
DGPને મળી રાત્રે 12 કલાક સુધી ટેકઅવેની મંજૂરી માગી
આ અંગે ફૂડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નરેન્દ્ર સોમાનીએ ETV Bharatને જણાવ્યું હતું કે, ટેકઅવે વેપારમાં રેસ્ટોરન્ટ અને ખાણી-પીણી બજારને રાત્રે 12 વાગે સુધીની પરવાનગી આપવામાં આવે. હાલ રાત્રે 8 કલાક સુધીની જ મંજૂરી હોવાને કારણે ગ્રાહકો સુધી ઓર્ડર પહોંચાડવામાં મોડું થઈ જાય છે. આ માટે તેમને DGPની મુલાકાત કરી રજૂઆત કરી હતી. તેમણે રજૂવાત કરી હતી કે આ માટે ક્યાંક તો તેમને 12 કલાક સુધી મંજૂરી આપવામાં આવે અથવા તો 8 કલાક બાદ ઓર્ડર ડિલિવરી માટે પાસ આપવામાં આવે.
બજાર બંધ થઈ જવાને કારણે મોટા ભાગના લોકો બેરોજગાર
નરેન્દ્ર સોમાનીનું કહેવું છે કે, હાલ 60 ટકા એકમો બંધ થઈ જવાને કારણે મોટાભાગનો સ્ટાફ બેરોજગાર થયો છે. વળી આ સ્ટાફ બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો હોવાને કારણે તેમને પોતાના વતન જવાની ફરજ પડી છે. આ એક મોટું કારણ છે કે આ બેરોજગારી અહીં દેખાતી નથી.