અમદાવાદ: ગુજરાત વાલી એકતા મંડળ તરફથી માગ કરવામાં આવી છે કે કોરોનાકાળમાં શાળાકોલેજ બંધ રહ્યાં છે તો ફી માફ કરવામાં આવે. વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની કોઈ માળખાગત સુવિધાનો ઉપયોગ કર્યો નથી. ત્યારે આ લાભ રાહતના સ્વરૂપમાં મળવો જોઈએ. શાળા સંચાલકો શિક્ષકોના પગારની વાત કરે છે પરંતુ વિદ્યાર્થીઓને રાહત આપવાની માગ કરતાં નથી. શિક્ષકોનો પગાર નીકળે એ પ્રકારની માત્ર ટ્યુશન ફી શાળા સંચાલકોને આપવા તૈયાર છીએ તેમ છતાં અમારી માગ સ્વીકારતા નથી. સરકાર પણ આ મુદ્દે કોઈ ખાસ નક્કર પગલાં લઈ રહી નથી.
ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ દ્વારા ફી વસૂલવામાં આવતી હોવાથી સરકાર અને ખાનગી શાળાઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ હોય તેમ દેખાઈ રહ્યું છે. આજે અમે આંદોલનના સ્વરૂપમાં જ્યારે બધી શાળામાં આવેદનપત્ર પાઠવવા નીકળ્યાં ત્યારે સંકલ્પ શાળામાંથી જ અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ સરકાર અને ખાનગી શાળાઓના વેપારી રણનીતિની હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.