અમદાવાદઃ છેલ્લાં 17 વર્ષથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરનારા સુનીલભાઈ આ વર્ષે પણ ભગવાનના વાઘા બનાવી રહ્યાં છે. હવે બસ વાઘાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જગન્નાથજીના વાઘામાં સિલ્ક, નેટ, રેશમ વર્ક, ડાયમંડ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે ભગવાનની પાઘડીમાં વિવિધતા જોવા મળશે. આખા વર્ષમાં એક જ વખત નગરચર્યાએ પધારતાં જગતના નાથ જગન્નાથ ભક્તોને દર્શન આપે છે ત્યારે આ વખતે ભગવાન રજવાડીમાં વેશમાં કેવા શોભી ઉઠશે. તેને લઈને ભક્તો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે.
સુનીલભાઈ કહે છે કે, અમને ભગવાનના વાઘા બનાવવાનો અવસર મળે છે તેનાથી ખૂબ જ આનંદ થાય છે. જગતના નાથ, રાજાધિરાજની સેવા કરવાનો અવસર મળે છે તો ખૂબ જ આનંદ આનંદ થઈ જાય છે. સુનીલભાઈએ આ વખતે ભગવાન જગન્નાથની નગરચર્યા માટે ખાસ રજવાડી પોશાક તૈયાર કર્યો છે. દર વર્ષે ભગવાનના સાજ શણગાર અલગ-અલગ હોય છે. ત્યારે આ વખતે ભગવાન રજવાડી ઠાઠમાં ભક્તોની સામે આવશે અને તેમને દર્શન આપશે. ભગવાન માટે આ વખતે લાલ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યાં છે. પાંચ દિવસના પાંચ વાઘા બનાવવામાં આવ્યાં છે. આ વખતે પોશાકમાં મેઘધનુષી રંગ રખાયાં છે. તો ભગવાન કૃષ્ણને પ્રિય એવા મોર અને પોપટ પણ લગાવવામાં આવ્યાં છે.