- 1384 વીઘા જમીન મૂળ માલીકને પરત અપાઇ
- લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 317 આરોપીઓને જેલ હવાલે કરાયા
- સ્થાનિક કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સમિતિની રચના કરાઈ
ગાંધીનગરઃ શુક્રવારે વિધાનસભામાં જૂનાગઢ ખાતે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબિશન) એકટ, 2020 હેઠળના કેસો ચલાવવા માટેની ખાસ કોર્ટની રચનાને લગતા પ્રશ્નનો જવાબ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જડેજાએ આપ્યો હતો. પ્રદીપસિંહ જડેજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો સંદર્ભની 57 અરજીઓ મળી છે. સમગ્ર રાજ્યમાં કમિટીની ભલામણને આધારે 133 FIR(First Information Report) થઇ છે. 114 ચાર્જશીટ પણ દાખલ કરીને 317 જેટલા ભૂમાફિયાઓને જેલ હવાલે કવાયા છે. સમગ્ર રાજ્યમાં 1384 વીઘા જેટલી જમીન તેમના મૂળ માલીકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ પણ વાંચોઃ જામનગર: ખેડૂતની કરોડોની જમીન બોગસ દસ્તાવેજોના આધારે ત્રણ શખ્સોએ પચાવી પાડી
જમીન પરત મેળવવા 2 હજાર રૂપિયાનો ટોકન ભાવે સ્થાનિક કક્ષાએ અરજી કરવી
આ માટે 2 હજાર રૂપિયાના ટોકન ભાવે સ્થાનિક જિલ્લા કક્ષાએ ઉચ્ચ્કક્ષાની સમિતિને અરજી કરવાની હોય છે. તેમજ કલેક્ટર પણ સુઓમોટોની કામગીરી કરી શકે છે. જે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્યુનિસીપલ કમિશ્નરનો સમાવેશ કરતી ઉચ્ચ સમિતિની રચના કરી છે. જે 21 દિવસમાં અરજી અંગે નિર્ણય લઇને FIR કરવા સૂચના આપે છે. પોલીસતંત્રને FIR સંદર્ભે 07 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની કડક સૂચના પણ આપવામાં આવી છે.
ભૂમાફિયાઓનો સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ રેકોર્ડ રાખે છે
ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંગ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂમાફિયાઓ રાજ્યમાં અન્ય કોઇ ગુના ના કરે તે માટે રાજ્યની સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જરૂરી ટ્રેક રેકોર્ડ રાખવામાં આવે છે. જેના પરિણામે આવા તત્વોને વધુમાં વધુ જેલમાં રાખી શકાય.
આ પણ વાંચોઃ બનાસકાંઠા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપેલા આદેશ સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે