નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના 8 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજનાનો 14મો હપ્તો બહાર પાડશે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વખતે પીએમ રાજસ્થાનના સીકરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ હપ્તો જાહેર કરશે. PM મોદી સવારે 11 વાગ્યે આ કાર્યક્રમમાં ભાગ લેશે અને DBT દ્વારા ખેડૂતોના ખાતામાં લગભગ 17,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. તેનાથી દેશના 8.5 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારોને ફાયદો થશે.
11 કરોડ ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો: 24 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજનાના 13 હપ્તાઓ અત્યાર સુધીમાં ખેડૂતોને આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સિસ્ટમ દ્વારા દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં પૈસા આપવામાં આવે છે. આ રકમ દર વર્ષે રૂ. 6,000ના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. એટલે કે દર ચાર મહિને ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશભરના 11 કરોડથી વધુ ખેડૂતોને 2.42 લાખ કરોડ રૂપિયાથી વધુનો લાભ આપવામાં આવ્યો છે.
આ યોજનાનો લાભ લેવા માટે શું કરવુ: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે, e-kyc અને જમીનની ચકાસણી જરૂરી બનાવવામાં આવી છે. આથી જે ખેડૂતોએ આ કામ કર્યું નથી, તેઓ ખેડૂત યોજનાના લાભથી વંચિત રહી શકે છે. જો તમે પણ e-kyc અને લેન્ડ વેરિફિકેશન નથી કરાવ્યું તો કરાવી લો. e-kyc માટે આધાર કાર્ડ, બેંક ખાતું, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી રહેશે. તમે આ કામ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in અથવા તમારી નજીકની કૃષિ કાર્યાલયમાં જઈને કરાવી શકો છો.
1.25 લાખ PM કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખોલવાની યોજના: સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે. ખેડૂતો આ રકમનો ઉપયોગ ખેતી સંબંધિત કામો માટે કરે છે. ઉપરાંત, આ રકમ ખેડૂતોના એકંદર કલ્યાણમાં મદદ કરે છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં યોજાનારા કાર્યક્રમમાં મોદી 1.25 લાખ પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર (PMKSK) દેશને સમર્પિત કરશે. સરકાર તબક્કાવાર રીતે દેશમાં રિટેલ ખાતરની દુકાનોને પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાં રૂપાંતરિત કરી રહી છે. આ કેન્દ્રો ખેડૂતોને કૃષિ-કાચા માલ, માટી પરીક્ષણ, બિયારણ અને ખાતર પ્રદાન કરશે.
આ પણ વાંચો: